ગભરાશો નહીંઃ કોવિશિલ્ડ વેક્સિનથી મૃત્યુની સંભાવના માત્ર 0.00013 ટકા

covishild-vaccine

10 લાખમાંથી માત્ર 1ને કોવિશિલ્ડ વેક્સિનથી જોખમ
રસીથી થતી આડઅસરોનું જોખમ 10 લાખમાંથી માત્ર 3થી 15 લોકોને જ છે
ભારતમાં કોવિડ વેક્સિનને કારણે મૃત્યુનો કોઈ કેસ સામે આવ્યો નથી

કોરોના વાયરસને રોકવા માટે વપરાતી કોવિશિલ્ડ વેક્સિન બનાવનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકે કોર્ટમાં મોટો ખુલાસો કરતા સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસી થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS)નું કારણ બની શકે છે. આ વેક્સિનથી શરીરના કોઈપણ ભાગમાં લોહી ગંઠાઈ જવાની આડઅસર થઈ શકે છે. જો કે, આ ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં જ થશે. આ સમાચાર સામે આવતાની સાથે જ વિશ્વભરમાં કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ લેનારા લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ છે.

યુકેમાં કોવિડ વેક્સિન કોવિશિલ્ડ લોન્ચ કરવામાં આવી ત્યારે તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને તેને ‘બ્રિટિશ વિજ્ઞાનની જીત’ ગણાવી હતી. ભારતમાં પણ સૌથી પહેલા અને સૌથી વધારે આ કોવિશિલ્ડના 174 કરોડ ડોઝ અત્યાર સુધી અપાઇ ચૂક્યા છે. આ અંગે દેશ અને દુનિયાના પ્રખ્યાત ડોક્ટરો સાથેની વાતચીતમાં જે જાણવા મળ્યુ તે નીચે મુજબ છે.

રસીથી થતી આડઅસરોનું જોખમ 10 લાખમાંથી માત્ર 3થી 15 લોકોને જ છે
રાંચી રિમ્સના ન્યુરો સર્જન ડૉ. વિકાસ કુમારે જણાવ્યું હતું કે અમેરિકન સોસાયટી ઑફ હેમેટોલોજીના પ્રકાશન મુજબ, રસીથી થતી આડઅસરોનું જોખમ 10 લાખમાંથી માત્ર 3થી 15 લોકોને જ છે. તેમાંથી પણ 90% સાજા થાય છે. આમાં મૃત્યુની સંભાવના માત્ર 0.00013% છે. તેનો અર્થ એ કે 10 લાખમાંથી 13ને આડઅસર છે, તેથી તેમાંથી માત્ર એક જ જીવલેણ જોખમ ધરાવશે.

રસી આવી તે પહેલા પણ લોહીના ગંઠાઈ જવાના કેસો આવતા હતા
અમદાવાદના ડૉક્ટર તુષાર પટેલે કહ્યું કે, આડઅસરના સમાચારથી લોકોને ગભરાવાની જરૂર નથી. વેક્સિનના કારણે જ હાર્ટએટેકની ઘટનામાં વધારો થયો, તે વાતમાં બિલકુલ તથ્ય નથી. કોવિડ રસી આવી તે પહેલા પણ TTS(લોહીના ગંઠાઈ જવાની બિમારી)ના કેસો આવી રહ્યા હતા. તેથી એવું કહી શકાય નહીં કે આ કોવિશિલ્ડ વેક્સિનને કારણે થયું છે. જ્યાં સુધી લોહી પાતળું થવાના કિસ્સાઓ છે, આ સમસ્યા કોવિડ પછીની અસર હોઈ શકે છે, રસીકરણ પછી નહીં. કારણ કે કોવિડમાં શરીરના ઘણા ભાગો પ્રભાવિત થયા હતા.

કોરોનાની રસીએ રોગચાળાની ઘાતકતા 80થી 90% સુધી ઘટાડી હતી
એઈમ્સ દિલ્હીના સામુદાયિક ચિકિત્સા નિષ્ણાત ડૉ. સંજય રાય કહે છે કે રોગચાળાની ઝપેટમાં આવતી પ્રત્યેક મિલિયન વસતિમાંથી 15 હજાર લોકોના જીવન પર ખતરો હતો. આવી સ્થિતિમાં, આ વસતિને રસી આપીને, રોગચાળાની ઘાતકતા 80થી 90% સુધી ઘટાડી હતી. આ કિસ્સામાં, ફાયદાઓ આડઅસરો કરતાં વધી ગયા છે. દેશમાં લગભગ 100 ટકા રસીકરણ પ્રાપ્ત થયું છે. તે જ સમયે, મોટી વસતિના કુદરતી રસીકરણને કારણે, કોરોના એક સામાન્ય શરદી બની ગયો.

બદલાયેલી જીવનશૈલીથી વધ્યા હાર્ટએટેકના બનાવ
ડૉક્ટર તુષાર પટેલે કહ્યું કે, આ વેક્સિન બહુ ટૂંકા પરિક્ષણો બાદ માર્કેટમાં આવી હતી. જેથી આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે, વેક્સિનના કારણે અનેક લોકોના જીવ બચ્યા છે. વધુમાં હાર્ટ એટેક મામલે તેમણે કહ્યું કે, વેક્સિનના કારણે નહીં પરંતુ, ફાસ્ટ ફૂડ, જંગફૂડ અને બદલાયેલી જીવનશૈલીના કારણે યુવાનોમાં હાર્ટએટેક આવવાના પ્રમાણમાં વધારો થયો છે.

સંભાળ કેવી રીતે રાખવી? જવાબ છે- ઓટોફેજી.
અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના વૈજ્ઞાનિક ડૉ.રામ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિનું મેટાબોલિઝમ સરખું હોતું નથી. કેટલાક માટે રસીની આડઅસર શૂન્ય છે અને અન્ય માટે તે 100% છે. તેથી જ રસીથી મૃત્યુનું જોખમ 10 લાખમાંથી માત્ર એક જ છે. હવે પ્રશ્ન એ છે કે આગળ તમારી સંભાળ કેવી રીતે રાખવી? જવાબ છે- ઓટોફેજી. એટલે કે અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ. આમાં દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું હોય છે.

ભારતમાં કોવિડ વેક્સિનને કારણે મૃત્યુનો કોઈ કેસ સામે આવ્યો નથી.
ચીનની જેમ ભારતમાં પણ જોખમ છે પરંતુ ઘાતકતા ઓછી છે. સારી વાત એ છે કે આડઅસરની તીવ્રતા સમય સાથે ઘટે છે. કેટલાક કિસ્સાઓમાં આડઅસરો ચિંતાનું કારણ નથી, કારણ કે તે ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થઈ શકે છે. ભારતમાં કોવિડ વેક્સિનને કારણે મૃત્યુનો કોઈ કેસ સામે આવ્યો નથી.