ઈન્દોરમાં પણ સુરતવાળીઃ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ઉમેદવારે પોતાનુ નામાંકન પરત ખેંચ્યું, ભાજપમાં જોડાયા, કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો

akshay-kanti-bam

નામાંકન પરત ખેંચ્યા બાદ અક્ષય કાંતિ બમે જણાવ્યું કે, ‘જ્યારથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી ત્યારથી કોંગ્રેસ તરફથી કોઈ જ પ્રકારનું સમર્થન મળી રહ્યું ન હતુ

સુરત લોકસભા બેઠક બાદ મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠકથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર બેઠકથી પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે આજે પોતાનું નામાંકન પાછું ખેંચી લેતા કોંગ્રેસ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. આ પછી હવે ઈન્દોર બેઠક પર ભાજપ માટે મેદાન લગભગ સાફ થઈ ગયું છે, અપક્ષ સિવાય કોઈ ઉમેદવાર બાકી નથી. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં 13મી મેના રોજ મતદાન થશે.

ઈન્દોરમાં આજે (29મી એપ્રિલ) ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો. અક્ષય કાંતિ બમે નામાંકન પાછુ ખેંચ્યા બાદ જણાવ્યું કે, ‘જ્યારથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી ત્યારથી કોંગ્રેસ તરફથી કોઈ જ પ્રકારનું સમર્થન મળી રહ્યું નહોતુ. રાજકીય વર્તુળોમાં એવી અટકળો પણ ચાલી રહી છે કે અક્ષય કાંતિએ ફોર્મ ભર્યું ત્યારથી કોંગ્રેસ તેના પર દબાણ કરી રહી હતી.’

કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ ભાજપના ધારાસભ્ય રમેશ મેંડોલા સાથે ચૂંટણી કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ પછી તે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ધારાસભ્ય મેંદોલા સાથે બીજેપી કાર્યાલય જવા માટે રવાના થયા હતા. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ માહિતી આપી છે.

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી પડાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી લખ્યું, ‘ઈન્દોર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.’

અગાઉ 22 એપ્રિલે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા. વાસ્તવમાં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. તેમના ઉમેદવારી પત્રમાં સાક્ષીઓના નામ અને સહીમાં ભૂલ હતી.