નિલેશ કુંભાણીનો ખુલાસોઃ કોંગ્રેસના કેટલાક લોકો પર આડકતરી રીતે લગાવ્યા આરોપ
ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. એવામાં નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ હાલ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે કોંગ્રેસના સૈનિક હોવાની વાત કરી છે અને કોંગ્રેસના કેટલાક લોકો પર આડકતરી રીતે આરોપ પણ લગાવ્યા છે.
નિલેશ કુંભાણીએ જે વિડીયો વાયરલ કર્યો છે તેમાં તેમણે જણાવ્યું કે, હું કોંગ્રેસ મોવડી મંડળના સંપર્કમાં જ હતો. પાર્ટીના વકીલ બાબુભાઈ માંગુકિયા સાથે મારે વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. મારા પરિવાર, મિત્રો અને સગા-સબંધીઓને કહ્યું હતું કે, કોંગ્રેસ આપણી સાથે જ છે અને આપણે ડરવાની જરૂર નથી. હું અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવા માટે જવા રવાના થયો, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘરે આવીને મારા વિરુદ્ધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો.
વધુમાં તેમણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, હુ કોગ્રેસના મોટા નેતાઓના સંપર્કમાં હતો પણ મારી વાત કોઈએ માની ન હતી.તો એક પણ નેતાઓ મારા પ્રચારમાં કે સભામાં આવ્યા ન હતા. કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને નેતાઓ મારા રથમાં બેસવા પણ તૈયાર નહતા. કોંગ્રેસ પાર્ટીએ 20 તારીખ પહેલા બૂથ ઉપર બેસવાના હોય, તેમના નામ અને નંબર સહિતની વિગતો મંગાવી હતી. આવા સમયે પણ સ્થાનિક હોદ્દેદારો અને ચૂંટણી લડેલા લોકોએ બૂથની વિગતો મોકલાવી નહતી. આટલું જ નહીં, જે કાર્યકર્તાઓ કામ કરતાં હતા, તેમને પણ બૂથ આપવાની ના પાડતા હતા.
જે લોકો વિરોધ કરી રહ્યાં છે, તેઓ પહેલા જ ભાજપ સાથે બેસી ગયા હતા. મારી એકપણ સભામાં કે ડૉર ટૂ ડૉર પ્રચારમાં પણ જે લોકો નહોતા આવ્યા, તેઓ હવે મારો વિરોધ કરી રહ્યાં છે. અગાઉ પણ તેઓ ફૂટી ગયા હતા. હું એકલો જ પ્રચાર કરતો હતો. વર્ષ 2017માં મારી ટિકિટ કપાઈ ત્યારે મને ભાજપમાં જોડાવાની ઑફર મળી હતી. ભાજપ દ્વારા મને અપક્ષ ચૂંટણી લડવાનું તેમજ કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપવા જણાવાયું હતુ. આમ છતાં મેં પાર્ટીને નુકસાન થાય, તેઓ એક પણ નિવેદન આપ્યુ ન હતુ . હું કોંગ્રેસ નો સૈનિક છું અને રહેવાનો છું.
2022ની વિધાનસભા ચૂંટણી વખતે પણ મને ભાજપ દ્વારા ઑફર આવી હતી. જેમાં મને પ્રચાર ધીમો કરવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ સમયે અમારા અનેક સાથીઓએ ભાજપની ઑફર સ્વીકારી લીધી હતી અને પ્રચાર ધીમો પાડી દીધો હતો. આટલું જ નહીં, તેઓ પોતાના સગા-સબંધીઓને ભાજપને મત આપવા સમજાવતા હતા. આટલું જ નહીં, પરેશ ધાનાણી જ્યારે સુરતના વરાછામાં સભા કરવા આવ્યા, તેની પહેલા પણ એક-બે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં બેસી ગયા હતા.
કુંભાણીએ પ્રતાપ દૂધાત સામે આક્ષેપ કરતા કહ્યું કે અત્યારે મને જે ધમકી આપી રહ્યાં છે, તે પ્રતાપ દૂધાતને પણ મેં પ્રચારમાં જોડાવા અપીલ કરી હતી. તે સમયે દૂધાતે અમરેલી પછીની તારીખ લઈશ, તો હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવીશ તેમ જણાવ્યું હતુ. જે બાદ મેં તેમના કહ્યા મુજબ તારીખ લીધી, તેઓ મારો ફોન જ રિસિવ નહતા કરતા. હું હજુ પણ કોંગ્રેસનો સૈનિક જ છું. એવું કોઈ નિવેદન નહીં આપુ, જેનાથી કોંગ્રેસને નુકસાન થાય.
જ્યારે અમે આમ આદમી પાર્ટીના નેતાઓને સ્ટેજ પર સ્થાન આપીને પ્રચાર કરતા, ત્યારે કોંગ્રેસના આગેવાનો જ વિરોધ કરતાં હતા અને કહેતા કે આપના નેતાઓને કેમ સાથે રાખો છો. એવા સમયે હું તેમને સમજાવતો હતો કે, આપણે ઈન્ડિયા ગઠબંધનમાં છીએ. આથી આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થઈ ગયા બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં ભાજપની જીતનું ખાતુ ખુલી ગયું છે. જો કે ટેકેદારોએ સહી મુદ્દે વાંધો ઉઠાવ્યા બાદ ચાલેલા 72 કલાકના રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા હતા.