જમીનમાં અચાનક જ પડી ગયો 50થી વધુ ફૂટનો ખાડો, ઘટનાની તપાસ કરવા ટીમ પહોંચી

sahjarasar

રાજસ્થાનમાં આવેલ બિકાનેરના સહજરાસર ગામમાં 16 એપ્રિલના રોજ લગભગ દોઢ વિઘા જમીનમાં મોટો ખાડો પડી ગયો હતો. જમીનમાં અચાનક આટલો મોટો 50 ફૂટથી વધુનો ખાડો કેવી રીતે પડ્યો તે ઘટનાની તપાસ કરવા જિયોલોજિકલ સર્વેની ટીમ પહોંચી છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યાંમાં લોકો આ ખાડો જોવા માટે પહોંચી રહ્યા છે. લોકો સેલ્ફી લેવા અને રીલ બનાવવા માટે આ જગ્યાએ આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને ખાડાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે તેમજ સુરક્ષા માટે પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે. કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે અહીં કલમ 144 પણ લગાવી દેવામાં આવી છે.

ઘટના બાદ બિકાનેર જિલ્લા પ્રશાસન અને ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતો હજુ પણ તપાસમાં લાગેલા છે. જિલ્લા કલેક્ટર નમ્રતા વૈષ્ણીએ કહ્યું કે એક સમયે તળાવ કે તેની નીચે કૂવો હતો. જેના કારણે કદાચ જમીન ધસી ગઈ છે. નજીકમાં એક રસ્તો હતો જ્યાં જમીન ધસી ગઈ હતી. તે રસ્તો પણ હવે ખાડામાં ફેરવાઈ ગયો છે. હવે યુવાનો ત્યાં જઈને રીલ્સ બનાવી રહ્યા છે, જે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

GSIની ટીમ પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ એવુ માનવામાં આવે છે કે કોઈક સમયે આ જમીનની નીચે પાણીનો ભંડાર હશે. જેના કારણે જમીન ભીની થઈ ગઈ હતી. હાલ આ ઘટનાને સિંકહોલ માનવામાં આવી રહી છે. હવે અહીં GSIની ટીમ વધુ સ્ટડી કરશે અને આટલો મોટો ખાડો શા કારણે પડ્યો તેના વિષે સંશોધન કરશે.

એક જમીન સર્વેક્ષણ અધિકારીએ જણાવ્યું કે, ‘અમે હાલ સાઈટની તપાસ કરી રહ્યા છીએ અને આવતીકાલથી વિધિવત સ્ટીડ શરૂ કરાશે. આ વિસ્તારના વિવિધ ડેટા પણ ભેગા કરાશે. અને ત્યારબાદ જ કહીં શકાશે કે ખરેખર અહીં શું થયું છે અને આટલો મોટો ખાડો અચાનક કેમ પડ્યો છે. આમ તો આ ઘટના કુદરતી જ લાગી રહી છે.