ભોપાલમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, હાથમાં કમળનું ફૂલ લઈને કર્યો પ્રચાર, લોકોએ કરી ફૂલોની વર્ષા

pm-modi

પીએમ મોદી ભોપાલમાં 30 મિનિટમાં 1.25 કિલોમીટર ચાલ્યા, ખુલ્લી જીપમાં રોડ શો કર્યો

મધ્યપ્રદેશનાં ભોપાલમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ શોમાં પીએમ મોદીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ જોડાયા હતા. વડાપ્રધાન મોદીના રોડ શોને લઇ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. રોડ શો માલવિયાનગર તિરાહેથી શરૂ થઇને 1.2 કિલોમીટરના અંતરે ન્યુ માર્કેટના નાનકે પેટ્રોલ પંપ સુધી યોજોયો હતો. આ દરમિયાન PM ખુલ્લા રથમાં અને હાથમાં ભાજપનું ચૂંટણી પ્રતીક કમળનું ફૂલ લઈને જોવા મળ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ડો.મોહન યાદવ સિવાય ભોપાલથી ભાજપના ઉમેદવાર આલોક શર્મા પણ જોડાયા હતા.

વડાપ્રધાનના સ્વાગત માટે રોડ શોના રૂટમાં 200થી વધુ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા તેમજ 24 IPS અધિકારીઓ સહિત લગભગ 2,000 પોલીસકર્મીઓ તેમની સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. રોડ શોમાં ઘણી જગ્યાએ લોકો રોડ કિનારે મોદીનું સ્વાગત કરી રહ્યા હતા. લોકો તેમના ઘરેથી ફૂલોની વર્ષા કરી રહ્યા હતા. વડાપ્રધાને પણ પૂરા ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કરી તેમની એક ઝલક જોવા ઊભેલા લોકોની ભીડનું અભિવાદન કર્યું હતું. મધ્યપ્રદેશમાં આ તેમનો બીજો રોડ શો હતો. આ પહેલા તેમણે 7 એપ્રિલે જબલપુરમાં રોડ શો કર્યો હતો.

રોડ શો દરમિયાન વડાપ્રધાને હાથમાં માત્ર કમળનું ફૂલ પકડીને પ્રચાર કર્યો હતો. પ્રચારની આ અનોખી શૈલીનો અર્થ સમજાવતા, મુખ્યમંત્રી મોહન યાદવે મંગળવારે કહ્યું હતું કે આ રીતે પીએમ કંઈ પણ બોલ્યા વિના લોકોને પાર્ટીનો સંદેશ આપે છે. મત માટેની આ મૌન અપીલનો ફાયદો એ છે કે સામાન્ય સભાની વ્યવસ્થામાં આવતી તમામ સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ. અન્ય પક્ષોએ પણ વડાપ્રધાનના આ પ્રયોગમાંથી શીખવું જોઈએ.

છેલ્લી લોકસભા ચૂંટણીમાં, ભાજપે રાજ્યની કુલ 29 લોકસભા બેઠકોમાંથી 28 પર જીત મેળવી હતી, કોંગ્રેસે માત્ર છિંદવાડા સંસદીય બેઠક જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપનો ઉદ્દેશ્ય રાજ્યની તમામ 29 બેઠકો જીતવાનો છે.

છેલ્લા 18 દિવસમાં વડાપ્રધાનની રાજ્યની આ પાંચમી મુલાકાત છે. આ પહેલા તેઓ 7મી એપ્રિલે જબલપુર, 9મી એપ્રિલે બાલાઘાટ, 14મી એપ્રિલે નર્મદાપુરમ, 19મીએ દમોહ અને આજે 24મી એપ્રિલે એટલે કે રાજ્યમાં પાંચમી વખત આવી રહ્યા છે. આ સાથે વડાપ્રધાને સૌથી વધુ વખત રાજ્યની મુલાકાત લેવાનો રેકોર્ડ તેમના નામે થઈ ગયો છે. આજે તેમણે સાગર અને બેતુલમાં ચૂંટણી સભાઓ કરી અને હવે તેમણે ભોપાલમાં રોડ શો કર્યો હતો.