ગુજરાત અને દેશના મતદાતાઓને મોદીની ગેરંટીમાં વિશ્વાસ: સી.આર. પાટીલ

mukesh-dalal

ભાજપનો જે 400 સીટ પારનો લક્ષ્યાંક છે, તેની આ પહેલી જીત છે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ભાજપે જીતની શરૂઆત કરી દીધી છે. સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઇ છે, ત્યારે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરી છે.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે, આજે લોકસભામાં ફોર્મ પાછું ખેચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારના ફોર્મ રદ્દ થયા બાદ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સહિત અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા. મુકેશ દલાલ સિવાયનાં તમામ ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી પરત ખેચી લેવાના કારણે સુરત કલેકટર દ્વારા મુકેશ દલાલને સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ભાજપનો જે 400 સીટ પારનો લક્ષ્યાંક છે, તેની આ પહેલી જીત છે. જે નરેન્દ્ર મોદીને અર્પણ કરીએ છીએ. આ સાથે જ બાકીની 25 બેઠકો પર જીતીને ગુજરાતના 26 કમળ નરેન્દ્ર મોદીને અર્પણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતના સૌ ભાઈ-બહેનોનું ભાજપને સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, તેના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. તેમને નરેન્દ્ર મોદીમાં પણ અનેરો વિશ્વાસ છે. એમની ગેરંટીમાં ગુજરાત અને દેશના મતદાતાઓને વિશ્વાસ છે.

નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ બાદ દેશનું મોડલ સૌ કોઈ સમક્ષ મૂક્યું છે કે, વિકાસ શું હોઈ શકે, સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે? સમાજના ભાગલા પાડવાના બદલે સૌનો સાથ, સૌનો વિકાસ એવા સુત્ર સાથે નરેન્દ્ર મોદી દેશની ચૂંટણી લડી રહ્યાં છે અને જનતાનું તેમને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.

ચૂંટણી પહેલા કોંગ્રેસે ડ્રામા કર્યા : CR પાટીલ

ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસે જે રીતે ડ્રામા કર્યો. પહેલા આક્ષેપ કર્યો કે, તેમના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોનું અપહરણ થયું છે. ઉમેદવારે ખુદ એ વાતનું ખંડન કર્યુ. કોંગ્રેસે વહીવટી તંત્ર પર ખોટી રીતે પ્રેશર લાવવાનો પ્રયાસ કર્યો. મીડિયા દ્વારા પણ ગેરસમજ ઉભી કરવાનો પ્રયત્ન થયો, પરંતુ આખરે સત્ય સામે આવ્યું. ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જેના માટે હું મુકેશ દલાલ અને ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન આપું છું.