રુપાલાના ફોર્મ સામે વાંધો ઢગલાબંધ વાંધા રજૂ કરનાર અમરદાસે છેલ્લી ઘડીએ ઉમેદવારી પરત ખેંચી
ગુજરાતની 26 લોકસભા બેઠક પર આગામી 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે આજે ચુંટણીચિત્ર સ્પષ્ટ થયું છે.
રાજકોટ લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે મુખ્ય ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાવા જઈ રહ્યો છે. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાના ફોર્મમાં ચકાસણી સમયે ઢગલાબંધ વાંધા રજૂ કરનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણી છેલ્લી ઘડીએ ફસકી ગયા હતા અને પોતાનું ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લીધુ હતુ. જેથી હવે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં 9 ઉમેદવારો રહ્યાં છે. રાજકોટ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુખ્ય મુકાબલો રહેશે તેવુ અનુમાન છે. આ સિવાય રાજકોટ બેઠક પર બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી અને પાંચ અપક્ષો પણ નસીબ અજમાવી રહ્યાં છે.
રૂપાલાના ફોર્મ સામે 32 વાંધા રજુ થયા
અપક્ષ ઉમેદવાર અમરદાસ દેશાણીએ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઉમેદવારે સોગંદનામું રૂા.300ના સ્ટેમ્પ પેપરમાં રજુ કરવું આવશ્યક છે. પરંતુ ભાજપના ઉમેદવાર રૂપાલાએ રૂા.50ના સ્ટેમ્પ પેપર પર રજુ કર્યુ છે. તે ચૂંટણી પંચનો અનાદર કરવા સમાન છે. જેથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ્દ થવાને પાત્ર છે. આ ઉપરાંત આઈટી રિટર્ન બેંકની થાપણો દર્શાવવામાં પણ ભૂલો કરી છે. તેઓએ સરકારી આવાસના લેણાનું પ્રમાણપત્ર પણ સામેલ કર્યુ નથી જો રૂપાલાનું ફોર્મ રદ્દ નહીં કરાય તો ઉપવાસ આંદોલનના મંડાણ કરાશે. આ અંગે તેઓએ જનરલ ઓબ્ઝર્વરને પણ ફરિયાદ કરી હતી.
રાજકોટ લોકસભાની બેઠક માટે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ચુંટણી અધિકારી પ્રભવ જોશી અધિક કલેકટર (ચૂંટણી) મુછાર સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારી ફોર્મની કરાયેલી ચકાસણી દરમિયાન ભાજપા પરસોતમ રૂપાલા, કોંગ્રેસના પરેશ ધાનાણી, બહુજન સમાજ પાર્ટીના ચમનભાઈ સવસાણી, બહુજન મુક્તિ પાર્ટી ઉપરાંત અપક્ષ ભાવેશ આચાર્ય, નયનકુમાર ઝાલા, નિરલકુમાર અજાગિયા, જીગ્નેશ લોહાર, ભાવેશ પીપળીયાના ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. જયારે 6 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા. જેમાં ભાજપના મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસના હેમાંગભાઈ વસાવડાનું ઉમેદવારી ફોર્મ વૈકલ્પિક ઉમેદવાર હોવાથી રદ્દ કરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ડમી તરીકે મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ડમી તરીકે હેમાંગભાઈ વસાવડાએ ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યુ હતું.
આજે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાનો સમય પૂર્ણ થતા ચૂંટણી તંત્ર દ્વારા સ્પર્ધામાં રહેલા ઉમેદારોને ચૂંટણી પ્રતિકો ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં ભાજપને કમળ, કોંગ્રેસને પંજો અને બસપાને હાથીની ફાળવણી ઉપરાંત અપક્ષોને માંગણી મુજબના વિવિધ પ્રતિકો ફાળવવામાં આવ્યા હતા.