ભાજપના દલાલને સુરત બેઠક પર જીતનું સર્ટિફિકેટ, આઝાદી પછી ભાજપની પ્રથમ બેઠક બિન હરીફ

Mukesh-dalal

હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી રદ્દ થતા ગુજરાતમાં 26 બેઠકોમાં સુરત બેઠક પર ભાજપનો વિજય

સુરત લોકસભા બેઠક પરથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે અંત આવ્યો છે. સુરતમાં બાકીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લેતા સુરતમાં મતદાન શરૂ થાય તે પહેલાં જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો વિજય થયો છે.

કોગ્રેસ માટે કાળો દિવસ

સુરત લોકસભાની ચૂંટણીના 73 વર્ષના વર્ષના ઈતિહાસમાં આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં મતદારો, રાજકીય પક્ષો માટે હંમેશા યાદ રહેશે કેમ કે 73 વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે.

વર્ષ 1951થી ચૂંટણી યોજાઈ રહી છે અને 2019 સુધી 17 વખત ચૂંટણી યોજાઈ તેમાં કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ 1951 પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. આ નામોશી માટે કોણ જવાબદાર? તે ચર્ચાનો વિષય બન્યો છે.

દલાલને સાંસદ તરીકેનું સર્ટીફિકેટ

સુરત લોકસભા મુકેશ દલાલને સાંસદ તરીકેનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. 2024 લોકસભા મુકેશ દલાલને મતદાન પહેલા સુરતના સાંસદ બન્યા છે. ચૂંટણી અધિકારીએ મુકેશ દલાલને જીતનું સર્ટીફિકેટ આપ્યું છે.

ભૂપેંદ્ર પટેલે મુકેશ દલાલને શુભેચ્છા આપી

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે એક્સ પર લખ્યું, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં #AbKiBaar400Paar નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.

દલાલે પાટિલના આશીર્વાદ લીધા

સુરત ભાજપના લોકસભા ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા બાદ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. મુકેશ દલાલે સી આર પાટિલના આશીર્વાદ લીધા હતા.

ચૂંટણી લડ્યા વગર જ મુકેશ દલાલ થયા વિજેતા

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતુ, જે બાદ એક પછી એક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધુ હતું. માત્ર એક અપક્ષ ઉમેદવાર પ્યારેલાલ બાકી રહ્યા હતા જો કે તેમણે પણ પોતાનું ફોર્મ પાછુ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામા આવી છે. આમ ભાજપની સામે કોઈ ઉમેદવાર ન રહેતા  ભાજપના મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વગર જ બિન હરીફ વિજેતા જાહેર થયા છે. આમ ઇતિહાસમાં પહેલીવાર સુરત લોકસભા બેઠક પર ચૂંટણી નહીં યોજાય.

વડાપ્રધાનને સુરતે પહેલું કમળ અર્પણ : પાટીલ

સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું.

આઝાદી બાદ ભાજપની પ્રથમ બેઠક બિન હરીફ

ભાજપના સહપ્રવક્તા દીપક જોશીએ કહ્યું કે, ગુજરાતમાં આઝાદી પછી ભાજપની પ્રથમ બેઠક બિન હરીફ બની છે. જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યું છે તેઓએ ભાજપનો સાથ આપ્યો છે. સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ 5 કલાકે જાહેર કરાશે. ગુજરાતની તમામ બેઠકો જીતવામાં આવશે. બાકીની 25 બેઠકો 5 લાખની લીડથી જીતવામાં આવશે. 2 દિવસથી આક્ષેપ કરવામાં આવ્યા છે એ પાયાવિહોણા છે. સુરતની સીટ પર અન્ય કોઈ ઉમેદવાર છે નહિ એટલે બિન હરીફ જ કહી શકાય.