પદ્મિની બા વાળાએ કર્યા પારણા, આંદોલન અંગે કરી મહત્વની વાત, 14 દિવસથી ઉપવાસ પર હતા

padminiba-vala-parna

પારણા કર્યા બાદ પદ્મિનીબા વાળાએ મહત્વનું નિવેદન આપ્યું હતું કે આંદોલન જુદા માર્ગે જઈ રહ્યું છે.
હાલ હું સંકલન સમિતિ સાથે છું પણ ભવિષ્યમાં ક્યાં સુધી સંકલન સમિતિ સાથે રહીશ તે કહેવું મુશ્કેલ છેઃ પદ્મિની બા
વાળા

પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દની માંગ સાથે છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર રહેલા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની તબિયત આજે વધુ ખરાબ થતા તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પદ્મિની બા વાળાની તબિયત બગડી હોવાનાં સમાચાર મળતા જ સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યા રાજપૂત સમાજના આગેવાનોની સમજાવટ બાદ તેમણે પારણા કર્યા છે. અગ્રણીઓ અને સાધુ-સંતો દ્વારા પદ્મિની બા વાળાને પારણાં કરાવવામાં આવ્યા છે. તબીબોએ સ્વસ્થ ન થાય ત્યાં સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ તેમની ટીકીટ રદ્દ થાય તેવા પ્રયાસો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ઠેર ઠેર આંદોલન પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ ઉપવાસ કરતા અન્નનો ત્યાગ કર્યો હતો. આજે પદ્મિની બા વાળાની તબીયત લથડતા તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પારણા કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. અગ્રણીઓ અને સાધુ-સંતોની સમજાવટ બાદ પદ્મિનીબા વાળાએ 14 દિવસના ઉપવાસ બાદ પારણા કર્યા હતા. હાલ પદ્મિની બા વાળાની તબિયત સારી હોવાની માહિતી પણ મળી છે.

પારણા કર્યા બાદ પદ્મિનીબા વાળાએ મહત્વનું નિવેદન આપ્યું હતું કે આંદોલન જુદા માર્ગે જઈ રહ્યું છે. પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરે છે. સંકલન સમિતિએ કહ્યું હતું કે આંદોલનમાં કોઈ રાજકીય પક્ષ આવશે નહીં પરંતુ ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મા આશાપુરાના મંદિરે બહેનોને મળ્યા હતા. તો આ બીજો પક્ષ શા માટે દાખલ થયો. આંદોલનને રાજકીય રૂપ ના આપવું જોઈએ.

આ સાથે જ તેમણે કહ્યું કે,મહિલાઓને સાઈડલાઈન કરવામાં આવી છે. મને અને બીજા સત્ય માટે લડતા બહેનોને સંકલન સમિતિ સાઈડ ટ્રેક કરે છે. તેમજ મહિલાઓની ઉમેદવારી અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, 350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તે વાત ક્યાંય નથી. અન્યાય સામે લડાઈ લડવા નીકળ્યા હતા. પણ સમાજ જ અન્યાય કરે તેનું શું. બહેનો દીકરીઓનો આ પ્રશ્ન ઠંડો પડતો જતો હોય તેવું લાગી રહ્યું છે એટલે હાલ હું સંકલન સમિતિ સાથે છું પણ ભવિષ્યમાં ક્યાં સુધી સંકલન સમિતિ સાથે રહીશ તે કહેવું મુશ્કેલ છે. તેઓ પાર્ટ – 2માં શું કરે છે તે જોઈએ.