યુપીએસસી કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર પરિણામ જોઈ શકાશે
UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) સિવિલ સર્વિસ પરીક્ષા 2023 ના પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો આજે અંત આવ્યો છે. UPSCએ આજે મેઇન્સ 2023ની 28 મેનાં રોજ યોજાયેલ પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર કર્યું છે. જેમાં આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેન્ક વન હાંસલ કર્યું છે. જ્યારે અનિમેષ પ્રધાન બીજા ક્રમે અને ડોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા ક્રમે રહ્યા છે. પીકે સિદ્ધાર્થ રામકુમાર ચોથા અને રૂહાની પાંચમા સ્થાને છે.
UPSC સિવિલ સર્વિસીસ 2023ના પરિણામ અનુસાર કુલ 1,016 ઉમેદવારોએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023 પાસ કરી છે. પાસ થયેલ 1016 ઉમેદવારોમાંથી IAS (ભારતીય વહીવટી સેવા) માટે 180 ઉમેદવારો, IPS (ભારતીય પોલીસ સેવા) માટે 200 ઉમેદવારો, IFS (ભારતીય વિદેશ સેવા) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રેડ Aની જગ્યાઓ માટે 613 ઉમેદવારો અને ગ્રેડ Bની જગ્યાઓ માટે 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
સમગ્ર ભારતમાં યુપીએસસી પાસ કરનાર ઉમેદવારોમાં આદિત્ય શ્રીવાસ્તવને પ્રથમ સ્થાન મળ્યું છે. યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામ 2023માં કુલ 1016 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જે 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમાંથી 347 જનરલ કેટેગરીના છે. 115 EWS વર્ગના છે જ્યારે 303 OBC ઉમેદવારો છે. 165 SC અને 86 ST ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, 2 જાન્યુઆરી 2024 થી 9 એપ્રિલ 2024 સુધી ચાલેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ આ ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસી દ્વારા 16 એપ્રિલ 2024 ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારોએ મેઇન્સની પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ આપ્યા હતા તે તમામ ઉમેદવારો યુપીએસસી કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર પરિણામ જોઈ શકે છે.
છેલ્લા 5 વર્ષમાં UPSC પરીક્ષામાં મહિલાઓની ટકાવારીમાં વધારો થયો છે. 2018 અને 2019માં મહિલાઓની પાસ થવાની ટકાવારી 24% હતી. 2020 માં તે 29% પર પહોંચી ગયો. જ્યારે 2021માં તે 3 પોઈન્ટ ઘટીને 26% થઈ ગયો. આ સિવાય 2022 માં, આ આંકડો ફરી એકવાર 34% હતો. ગયા વર્ષે 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 320 મહિલાઓ હતી.