રાજકોટથી પરષોત્તમ રૂપાલાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું

rupala-namankan

પરષોત્તમ રૂપાલાએ સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરી હતી કે મોટું મન રાખીને ભાજપના વિજયમાં આપ સૌ જોડાવ, તમારા સહયોગની જરૂર છે.

ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ આજે રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટના હાર્દ સમા વિસ્તારમાંથી રેલી કાઢી રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી પરશોત્તમ રૂપાલાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓએ મહારેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી. રેલી બાદ તેઓએ વિજય સંકલ્પ રેલીને પણ સંબોધી હતી. જેમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આજે કેસરિયો સફો પહેરીને જાગનાથ મંદિરમાં દર્શન કર્યા પછી ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા હતા. રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પર આવેલા જાગનાથ મહાદેવના મંદિરેથી પરષોત્તમ રૂપાલાની રેલી અભેદ પોલીસ સુરક્ષા વચ્ચે નીકળી હતી. આ ભવ્ય રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, લોકસભાના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, રાજકોટના મેયર અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ આ રેલીમાં સાથે જોડાયા હતા. લોકોની ભારે ભીડ જોવા મળી. આ રેલી દરમિયાન ખુલ્લી જીપમાં બેસી રૂપાલાએ રસ્તામાં જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પરષોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, હું કંઇપણ વાતની શરૂઆત કરૂ તે પહેલા જાગનાથ દાદાના મંદિરથી આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી ન રહેવા દેનારા આ કાર્યકર્તાઓ, નાગરિકો અને પાર્ટીના આગેવાનોને મારી સલામ છે. આપણા સૌથી વરિષ્ઠ નેતા વજુભાઈને હું વંદન કરું છું. તેમણે સ્ટેજ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં આપ સૌ જોડાવ, તમારા સહયોગની જરૂર છે.

પરષોત્તમ રુપાલાએ સમગ્ર ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે, આજે અહીં મોટ સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સમર્થન કરવા આવ્યા છે, તે બદલ હું તેમને આભાર માનું છું, સાથે જ સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં આપ સૌ જોડાવ, તમારા સહયોગની અમને જરૂર છે.

વિજય સંકલ્પ રેલીમાં રૂપાલાએ બધાને મારા રામ રામથી સંબોધનની શરૂઆત કરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ તેઓએ તમામ સમર્થકોને સલામ કરી હતી. જાહેર મંચ પરથી તેઓએ તમામ આગેવાનના નામ બોલ્યા હતા. રૂપાલાએ કહ્યું તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા તો મારે મત આપવાની વિનંતી ન કરવાની હોય. પરંતુ હું તમને એટલી વિનંતી કે તમે અહીંથી જઈ તમારી આસપાસના તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્યાહન આપજો.

રૂપાલાએ જણાવ્યું છે કે, ચૂંટણીની સિઝનમાં દિલ્હીમાં વહિવટ ઠપ્પ હોય, પણ આઝાદી પછી પહેલીવાર સરકારના તમામ સચિવોને જૂન મહિનામાં સરકાર બને પછી પ્રથમ 100 દિવસ સરકાર શું કામ કરશે તેના કામે લગાવી દીધા છે. નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે યોજના જાહેર થાય તેનું 100 ટકા અમલીકરણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.