પી.ટી. જાડેજાનું પરષોત્તમ રૂપાલા અંગે નિવેદનઃ સમાજ મારો ભગવાન છે, હું મહાદેવના શપથ લઉ છું કે હું દગો નહીં કરું, જેના પિતા એક છે, તેમનો શબ્દ એક છે, આપણે આપણા શબ્દ પર ઊભા છીએ.
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે આજે રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. ઉમેદવારી નોંધાવતા પેહલા રૂપાલાએ કહ્યું હતું કે હું તમામ ક્ષત્રિયોને નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.’ રુપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમજ તેમના નિવેદનનાં જવાબમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે રુપાલા સામે વિરોધનો પાર્ટ-2 શરૂ કરવાની જાહેરાત કરી હતી.
ક્ષત્રિય સમાજ દ્વારા આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, ‘અમારે ભાજપ સાથે કોઈ વાંધો નથી, અમે તેમના સમર્થનમાં છીએ. અમારી એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જે રૂપાલા પોતાની ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજના વિરોધના પાર્ટ-2 માટે આગળની વ્યૂહનીતિ ઘડીશું’.
પી.ટી.જાડેજાએ જણાવ્યું હતું કે, “સરકારે ગઈકાલે માફી માંગી છે અને પરષોત્તમ રૂપાલાને માફ કરવા વિનંતી કરી છે. જો કે સંકલન સમિતિએ સરકારને કહ્યું કે અમે સમાજ સાથે વિશ્વાસઘાત કરી શકીએ નહીં. સંકલન સમિતિએ જ સરકારને પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા જણાવ્યું હતું.”
પી.ટી.જાડેજાએ કહ્યું કે, “સરકારે ક્ષત્રિય સમાજના આગેવાનને મોકલ્યા, બાદમાં સરકારના મંત્રીઓ પણ તેમને મળ્યા. હું કહેવા માંગુ છું કે ‘સમાજ મારો ભગવાન છે, હું મહાદેવના શપથ લેઉં છું કે હું દગો નહીં કરું.’ જેના પિતા એક છે, તેમનો શબ્દ એક છે, આપણે આપણા શબ્દ પર ઊભા છીએ.”
તેમણે કહ્યું કે, “ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મિટિંગ થઈ છે. પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા છે તેથી અમે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું નથી. અમે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે તેવું કંઈપણ કરવા માંગતા નથી. આંદોલનની પાછળ કોઈ નથી, આગળ પાછળ સમાજ જ છે.”
નોંધનીય છે કે, રાજ્ય સરકારે મોડી રાત્રે ક્ષત્રિય આગેવાનોને સરકાર સાથે વાતચીત કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ તમામ આગેવાનો ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક કરવા પહોંચ્યા હતા. લગભગ 1 કલાકથી વધુ સમય સુધી સંકલન સમિતિના આગેવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ તેમજ ભાજપ ક્ષત્રિય આગેવાનો બેઠક ચાલી હતી. જોકે, રાજપૂત સંકલન સમિતિના આગેવાનો સાથેની બેઠક મોડી રાત્રે 2 વાગ્યે પૂર્ણ થઈ હતી.