પદ્મિનીબાએ સંકલન સમિતિ સામે નારાજગી વ્યક્ત કરી, ઑડિયો થયો વાયરલ

padminiba-vala

ક્ષત્રિય આંદોલન વચ્ચે પદ્મિનીબાનો ઑડિયો વાયરલ, ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય

ગુજરાતભરમાં પરશોત્તમ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે. રાજકોટમાં તારીખ 14 એપ્રિલે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં લોખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં લોકો ભેગા થયા હતા. આ મહાસંમેલન બાદ પદ્મિનીબાનો એક ઓડિયો વાયરલ થયો છે. ક્ષત્રિય આંદોલનનો ચહેરો બની ગયેલાં મહિલા નેતા પદ્મિનીબા વાળાએ ઑડિયો ક્લિપમાં સંકલન સમિતી પર સવાલો ઉઠાવ્યા છે. તેઓ બોલી રહ્યા છે કે રાજકોટના સંમેલનમાં કોઇ મહત્વનો નિર્ણય આવ્યો નથી.

વાયરલ થયેલા આ ઑડિયોમાં પદ્મિનીબા તાજેતરમાં રાજકોટમાં યોજાઈ ગયેલા ક્ષત્રિય મહાસંમેલનની ચર્ચા કરતાં ને સંકલન સમિતિ પ્રત્યે પણ નારાજગી દર્શાવતાં સાંભળવા મળે છે. પદ્મીનીબા વાળાએ સંકલન સમિતી પર સવાલો ઉઠાવ્યા છે કે આખરે તાજેતરમાં રાજકોટમાં યોજાઈ ગયેલા સંમેલનમાં કોઇ મહત્વનો નિર્ણય શા માટે ન આવ્યો. સમાજના લોકો શું ભાષણ સાંભળવા આવ્યા હતા ? સંકલન સમિતી સાફા પહેરીને બેસી ગઇ હતી. મહાસંમેલનમાં અન્ય નેતાઓ મને ભાષણ આપવાની મનાઇ કરતા હતા.

પદ્મીનીબાએ સંકલન સમિતી સામે નારાજગી ઠાલવી હતી. વાયરલ ક્લિપમાં પદ્મિનીબા કહેતાં સાંભળવા મળે છે કે, “કાલે આટલું પબ્લિક ભેગું થયું હતું તો તે આશાના કિરણ સાથે આવ્યું હતું કે કંઈકને કંઈક નિર્ણય આજે આવશે. પણ નિર્ણય તો એક પણ ન થયો, તો શું આ લોકો ભાષણો સાંભળવા માટે આવ્યા હતા? ભાષણો તો કેટલાં સંમેલનોમાં થયાં. એકનાં એક ભાષણો જ બધે થયાં છે. તો ખાલી સ્ટેજ ઉપર ચડીને ભાષણો જ કરવાનાં છે? લડત જીતવાની કઈ રીતે છે?”

વિરોધ એટલે સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવું એવો ન હોય. તેઓ કહી રહ્યાં છે કે દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે આવવાનું તો સંકલન સમિતી શું કરે છે? આ પ્રકારના અનેક સવાલો સંકલન સમિતી વિરુદ્ધ પદ્મિનીબાએ ઓડિયોમાં ઉઠાવ્યા છે. હવે તેમણે 19 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે. આ આંદોલન ધીમે ધીમે ઠંડું પડતું જાય છે. હવે આટલું પબ્લિક ભેગું નહીં થાય, જેટલું કાલે (રાજકોટમાં થયેલા મહાસંમેલનમાં) થયું હતું.

આગળ તેઓ કહે છે કે, “પહેલી બાબત એ છે કે આપણે રૂપાલાભાઈને (પરષોત્તમ રૂપાલા, રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર) ફોર્મ (ચૂંટણી માટેનું નામાંકન પત્ર) જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરી દેશે તો ગેરેન્ટી કોણ લેશે કે રૂપાલાભાઈ ફોર્મ પરત ખેંચી લેશે, અથવા તો એવી ગેરેન્ટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે?” નોંધવું જોઈએ કે ભાજપ નેતા પરષોત્તમ રૂપાલા આગામી 16 એપ્રિલના રોજ (મંગળવાર) ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જ્યારે રવિવારે (14 એપ્રિલ) યોજાયેલા મહાસંમેલનમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી કે રૂપાલા ફોર્મ ભર્યા બાદ પરત ન ખેંચી લે તો પાર્ટી સામે મોરચો ખોલવામાં આવશે.

આ વાયરલ ક્લિપની “ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત” સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતુ નથી, પરંતુ અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પદ્મિનીબાએ તેમની સાથે વાતચીતમાં ઑડિયો તેમનો જ હોવાની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં પણ પદ્મિનીબાએ વાયરલ ઑડિયો ક્લિપમાં પોતાનો જ અવાજ હોવાની પુષ્ટિ કરી હતી. તેવુ જાણવા મળેલ છે.