રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ખુલ્લી જીપમાં કર્યો ચૂંટણી પ્રચાર, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા

rupala-rajkot

ખેલાડીઓ બેટ લઈ રૂપાલાને આવકારવા પહોંચી ગયા હતા. જેથી રૂપાલાએ પણ હાથમાં બેટ લીધું હતું, જોકે તેમનો આ ઈશારો કોના તરફ હોય એ તો ભગવાન જાણે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં અનેક ચહલપહલ જોવા મળી રહી છે. ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો આક્રોશ દિવસેન દિવસે વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન અને વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ રાજકોટમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે.

રાજકોટમાં રવિવારે સાંજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ યોજાવવા જઇ રહ્યુ છે. ત્યારે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં ઝંઝાવતી પ્રચાર ચાલુ રાખ્યો છે. પરશોત્તમ રૂપાલાએ આજે શહેરના ગંગેશ્વર મહાદેવ મંદિરે જઇને પૂજા અર્ચાના કરી, દર્શન કરી આશીર્વાદ લીધા હતા. અહીં તેમણે મહાદેવની પૂજા કરીને જલાભિષેક પણ કર્યો હતો. તેમણે હનુમાનમઢી ચોક પાસેના હનુમાનજીના મંદિરે દર્શન કરી પોતાના ચૂંટણીપ્રચારનો પ્રારંભ કર્યો હતો.

ખુલ્લી જીપમાં ચૂંટણી પ્રચાર કર્યો

રૂપાલાએ ખુલ્લી જીપમાં પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. હનુમાન મઢી ચોકથી ખુલ્લી જીપમાં રૂપાલાની સાથે રાજ્ય સભાના સાંસદ રામ મોકરિયા, લોકસભાના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપ-પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓ સાથે રહ્યાં હતાં. શહેરના ગાંધીગ્રામ વિસ્તાર, ગૌતમ નગર સહિતના વિસ્તારોમાં તેમણે પ્રચાર કર્યો હતો. આ પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો પણ જોડાયા હતા. તેમણે હરીહર ચોક, સદર બજાર, ફુલછાબ ચોક, રોકડીયા હનુમાનદાદા, ભીલવાસ, ખાટકીવાસ મેઈન રોડ, યાજ્ઞીક રોડ, ૨૦-જાગનાથ મેઈન રોડ સહિતના વિસ્‍તારોમાં લોકસંપર્ક દરમ્‍યાન ઠેર-ઠેર આવકાર મળ્‍યો હતો.

રૂપાલાનું દીકરીઓએ કંકુ-ચોખા કરી સ્વાગત કર્યું

ચૂંટણી પ્રચાર કરવા નિકળેલા રૂપાલાનું દીકરીઓએ કંકુ-ચોખા કરી સ્વાગત કર્યું હતું, તો વેપારીઓએ રૂપાલાને હાર પહેરાવી આવકાર્યા હતા. આ તકે શહેરના રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ એકેડેમી ચલાવતા કૌશિક અઢિયા ભાજપનો ખેસ પહેરી ચૂંટણીપ્રચારમાં જોડાયા હતા. તો બીજી તરફ ક્રિકેટની તાલીમ લેતા ખેલાડીઓએ પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ તકે ખેલાડીઓ બેટ લઈ રૂપાલાને આવકારવા પહોંચી ગયા હતા. જેથી રૂપાલાએ પણ હાથમાં બેટ લીધું હતું, જોકે તેમનો આ ઈશારો કોના તરફ હોય એ તો ભગવાન જાણે. રૈયા રોડ ઉપર પુરુષોત્તમ રૂપાલાના ચૂંટણીપ્રચાર વખતે ભાજપ આવે છે, એ પ્રકારનાં ગીતો ડીજેના તાલે ગૂંજી ઊઠ્યાં હતાં. તો ફટાકડા પણ ફૂટ્યા હતા. આ દરમિયાન રૈયા રોડ ઉપર હનુમાન મઢીથી રૈયા ચોકડી સુધીનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લીધે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

પરશોત્તમ રૂપાલા 16 તારીખે પોતાનું નામાંકન ભરશે

આપને જણાવી દઈએ કે, પરશોત્તમ રૂપાલાની નામાંકનની તૈયારીઓ પૂર્ણ થઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પરશોત્તમ રૂપાલા 16 તારીખે પોતાનું નામાંકન (nomination) ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેઓ જાગનાથ મહાદેવ મંદિરે દર્શન કરી પગપાળા રોડ શૉ યોજશે. કેન્દ્રીયમંત્રી જાગનાથ મંદિરથી બહુમાળી સુધી પગપાળા જશે. બહુમાળી ભવન ખાતે રૂપાલાની ભવ્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાની માહિતી છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવી પરશોત્તમ રૂપાલા નામાંકન ભરવા જશે. અહેવાલ અનુસાર, પરશોત્તમ રૂપાલા બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન ભરશે.