કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી દૂર કરવા આપ્યો આદેશ
બોર્નવિટામાં સુગરનું પ્રમાણ વધુ મળી આવતા નોટિસ, વધુ પડતું સુગરનુ પ્રમાણ બાળકોને નુકસાન કરી શકે છે
કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી દૂર કરવા માટે આદેશ આપ્યો છે. આ સંદર્ભે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એડવાઈઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઈ-કોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી બોર્નવિટા સહિત તમામ પીણાંને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી દૂર કરવા જોઈએ. મંત્રાલયે ચેતવણી આપી છે કે બોર્નવિટા હેલ્થ ડ્રિંક નથી.
મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું કે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધિનિયમ 2005ની કલમ (3) અંતર્ગત રચાયેલી સમિતિએ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ પ્રોડક્ટ હેલ્ધી ડ્રિંકની પરિભાષાને અનુરૂપ નથી. એનર્જી ડ્રિંક શબ્દનો ઉપયોગ માત્ર કાર્બોનેટેડ અને નોન-કાર્બોનેટેડ પીણા આધારિત સ્વાદયુક્ત પ્રોડક્ટ માટે થાય છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા તપાસ બાદ મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરી છે. NCPCRને તપાસમાં જાણવા મળ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કોઈ હેલ્થ ડ્રિંક નથી. ઉલ્લેખનીય છે, હેલ્ધી ડ્રિંકને ફૂડ ખાદ્ય સુરક્ષા પ્રણાલી અધિનિયમ 2006 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ પ્રકારની પ્રોડક્ટને 2 એપ્રિલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એનર્જી ડ્રિંક કે હેલ્ધી ડ્રિંક શબ્દનો દુરપયોગ ન કરવા નિર્દેશ કર્યો છે.
બોર્નવિટામાં સુગરનું પ્રમાણ વધુ મળી આવતા નોટિસ
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગતવર્ષે બોર્નવિટા બનાવતી કંપની મોન્ડેલિજ ઈન્ટરનેશનલ ઈન્ડિયા લિ.ને નોટિસ પાઠવી હતી. નોટિસમાં જણાવ્યું હતું કે આ પ્રોડક્ટમાં વધુ પ્રમાણમાં સુગર મળી આવી હોવાની ફરિયાદ છે. વધુ પડતું સુગરનુ પ્રમાણ બાળકોને નુકસાન કરી શકે છે. આ સિવાય તેમાંની અમુક સામ્રગી બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જેથી કંપનીને પોતાની પ્રોડક્ટની તમામ ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલની સમીક્ષા કરી પરત લેવા આદેશ આપ્યો હતો.
આ પ્રોડક્ટ્સને હેલ્ધી કેટેગરીમાંથી હટાવવા નિર્દેશ
એફએસએસએઆઈએ તમામ ઈ-કોમર્સ કંપનીઓને ડેરી આધારિત, અનાજ આધારિત અને મિલેટ આધારિત ડ્રિંકિંગ પ્રોડક્ટ્સને હેલ્ધી કે એનર્જી ડ્રિંક રૂપે લેબલ ન કરવા આદેશ કર્યો હતો. આ પીણાંને હેલ્ધી ડ્રિંક્સ કે એનર્જી ડ્રિંક્સમાં સામેલ ન કરો. તેને આ શ્રેણીમાંથી કાઢી નાખવો જોઈએ. એફએસએસએઆઈએ કંપનીઓને ચેતવણી આપી છે કે ખોટા શબ્દોનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે.
આ પ્રકારના પાવડર કેટલા સુરક્ષિત
બોર્નવિટા સહિતના એનર્જી ડ્રિંક અને એનર્જી પાવડર બાળકો માટે વાસ્તવમાં આરોગ્યપ્રદ છે કે નહિં, તેમાં પૂરતા પોષણ મળે છે કે નહિં તે અંગે નિષ્ણાતે જણાવ્યું છે કે, ચોકલેટ પાવડરમાં નુકસાન પર કોઈ ખાસ રિસર્ચ થયુ નથી. જો તેમાં પૂરતા પોષક તત્વો અને સારી ગુણવત્તાને આધિન બનાવવામાં આવ્યું હોય તો તેનાથી કોઈ ખાસ નુકસાન થતુ નથી. જો કે, વધુ પડતું સુગરનુ પ્રમાણ બાળકોને નુકસાન કરી શકે છે.