રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ રાજયભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.છેલ્લા 20 દિવસથી ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામા આવી રહ્યું છે. ક્ષત્રિયોના વ્યપાક વિરોધ વચ્ચે આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ બુથ પ્રમુખ સંમેલન કાર્યક્રમમાં હાજરી આપવા જામનગર પહોંચ્યા હતા.
જામનગરમાં સવારે 10.30 કલાકે ઈન્દિરા ગાંધી રોડ પર કામદાર કોલોની પાસે આવેલા ઓસ્વાલ સેન્ટર ખાતે આયોજિત બુથ પ્રમુખ સંમેલન કાર્યક્રમમાં સી.આર.પાટીલે જામનગર તથા દ્વારકા જિલ્લાના બુથ પ્રમુખો, હોદ્દેદારો, કાર્યકરોની તેમણે આગામી લોકસભા ચૂંટણીને લઇ માર્ગદર્શન આપ્યું હતું અને દરેક બુથમાંથી જંગી લીડ મળે તે માટે કામે લાગી જવા પણ આહવાન કર્યું હતું.
ઓશવાળ સેન્ટરના ગેઇટ બહાર ક્ષત્રિય સમાજના યુવાનો વિરોધ માટે પહોંચ્યા હતા અને કાળા વાવટા ફરકાવ્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનોએ ‘રૂપાલાની ટિકિટ રદ કરો’ અને ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે, પોલીસે આ તમામ ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર લઈ ગયા હતા.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ છે. ત્યારે જામનગર બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમ આગામી તા. 18 એપ્રિલના રોજ સંભવત: ઉમેદવારી ફોર્મ ભરશે. તેમ શહેર ભાજપ પ્રમુખે નિવેદનમાં જણાવ્યું હતું.