ગુજરાતમાં ભરઉનાળે માવઠુંઃ કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન
રાજ્યમાં 13 થી 15 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી
કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભયંકર ગરમીમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત થઈ હતી. તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન પહોંચ્યું છે. રાજ્યમાં 13થી 15 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે.
આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે અચાનક ઝાપટા પડ્યા હતા. રાજ્યનાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. દાહોદ, બનાસકાંઠા અને છોટા ઉદેપુરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે. કવાંટના નાનાઈ ટોકરી, મોટી ટોકરી ગામમાં વરસાદ પડ્યો છે. તેમજ મોતાઘોડા, ગોઝારીયા, સમલવાંટમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વિવિધ ભાગોમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડયા છે. દાહોદ જિલ્લામાં ઝાલોદના લીમડી, વરોડ ઉપરાંત આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. દાંતા તાલુકાનાં અંબાજી, ભાણપુર અને હડાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પણ આજે કમોસમી વરસાદ વરસ્યો છે. દાંતા તાલુકામાં અંબાજી, ભાણપુર અને હડાદ સહિતના ગામમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદનું પાણી ફરી વળ્યું છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ કેટલાક દિવસો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી કેટલાક દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકશે. જેમાં 13 થી 15 એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં 13મી એપ્રિલે સુરત, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં માવઠું થવાની શક્યતા છે. જયારે 14 અને 15 એપ્રિલે દાહોદ, નર્મદા, છોટાઉદેપુર અને ગીર પંથકમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.