હરિયાણામાં સ્કુલ બસ પલટી જતા 6 બાળકોના મોત, 20થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

bus-accident

આજે સરકારી રજા હોવા છતાં સ્કૂલ ચાલુ હતી અને બાળકોને લેવા માટે સ્કૂલમાંથી બસ મોકલવામાં આવી હતી

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં ગુરુવારે સવારે એક ખાનગી સ્કૂલની બસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. મહેન્દ્રગઢ જિલ્લાના કનીનમાં આવેલી જીએલ પબ્લિક સ્કૂલની બસ ઉનાણી ગામ પાસે પલટી ગઈ હતી. બસમાં લગભગ 35થી 40 બાળકો સવાર હતાં. અકસ્માતમાં 8 બાળકોના મૃત્યુ થયા છે જ્યારે 20થી વધુ બાળકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત બાળકોને નજીકના હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી જાણકારી અનુસાર ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું. પાંચ બાળકોના મોત નીપજ્યાં હતાં, જ્યારે એકની હાલત ગંભીર હતી, જેને હોસ્પિટલ લઈ જવાયા બાદ તેનુ પણ મૃત્યુ થયુ હતું, મૃતક બાળકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ.

5 બાળકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાકીના 1નું હોસ્પિટલમાં મોત થયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકોની ઓળખ સત્યમ (16), યુવરાજ (14), બે ભાઈઓ યશુ અને અંશુ, વંશ (14) અને રિકી (15) તરીકે થઈ છે. જેમાંથી 4 એક જ ગામ ઝાડલીના છે.

આજે સરકારી રજા હોવા છતાં સ્કૂલ ચાલુ હતી અને બાળકોને લેવા માટે સ્કૂલમાંથી બસ મોકલવામાં આવી હતી. સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો. થોડા સમય બાદ પોલીસ અને તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

મહેન્દ્રગઢના એસપી અર્શ વર્માએ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 8.30 વાગ્યે બની હતી. ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું જાણવા મળે છે. અમે તેનું મેડિકલ કરાવી રહ્યા છીએ. તે ખૂબ જ સ્પીડમાં સ્કૂલ બસ ચલાવી રહ્યો હતો. જેના કારણે બસ પલટીને ઝાડ સાથે અથડાઈ હતી.

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત સમયે બસની સ્પીડ ઘણી વધારે હતી. બસ ડ્રાઈવર નશામાં હતો. જેના કારણે બસ અસંતુલિત બનીને પલટી મારીને સીધી ઝાડ સાથે અથડાઈ હતી. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈક રીતે બાળકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બસ પલટી જતાં કેટલાક બાળકો બહાર રોડ પર પડ્યા હતા.