ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” પોલીસ છાવણીમાં ફેરવાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર રૂપાલાએ કરેલા નિવેદનનો વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે. એક તરફ રુપાલા આગામી 16 એપ્રિલના રોજ જંગી જાહેરસભા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે તેવી વાત સામે આવી છે. ત્યારે બીજી તરફ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં ભાજપનાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું. જેને લઈને ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
રાજ શેખાવત આજે કમલમ ખાતે રજૂઆત કરવા જવાના હતા. રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. રાજ શેખાવતે એરપોર્ટ પરથી અમને રોકશો તો આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચાર્યા બાદ પોલીસ-ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની અમદાવાદ એરપોર્ટ ખાતે અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ તેમને હેડ ક્વાર્ટર લઈ જવાયા છે. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસ વેનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી ઉતરી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી.
રાજ શેખાવતે અટકાયત પહેલા એરપોર્ટથી એક વીડિયો બનાવ્યો હતો.
રાજ શેખાવતે અટકાયત પહેલા એરપોર્ટથી એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ કહે છેકે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર છું અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. મે સરકાર અને તંત્રને કહ્યું હતું કે મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં રુકાવટ બનશો તો આત્મદાહ કરીશ. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો. જે આક્રોષ સાથે અમારે રજૂઆત કરવાની છે તે રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરી આપો. અમારે કોઇ રુકાવટ જોઇતી નથી. તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું. આ નિર્ણાયક લડત છે અને આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું. આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા અપાવશે, તો 2 વાગે કમલમ ખાતે મળીએ.
ક્ષત્રિય સમાજના વિરોધના પગલે ભાજપના પ્રદેશ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કમલમ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલા પોલીસ અને વિવિધ એજન્સીઓ ખડકી દેવામાં આવી છે. સલામતી શાખા, સ્થાનિક પોલીસ અને એસઆરપી, ટ્રાફિક પોલીસ ખડેપગે છે. પોલીસના વ્રજુ અને વરુણ વાહન પણ તેનાત કરાયા છે. તેમજ ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રુપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાજકોટ લોકસભા બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.