સુરતના સૌથી મોટા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો…

VR-Mall

ધમકી ભર્યો ઈ-મેઈલ આવતા જ પોલીસનો કાફલો, ડોગ સ્ક્વૉડ, બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી, 2 હજારથી વધુ લોકોને બહાર કાઢતા અફરાતફરી

સુરત શહેરમાં ડુમ્મસ રોડ પર આવેલા VR મોલને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. ઈ-મેઈલ મળતા જ મોલને તાત્કાલિક ખાલી કરવા માટે સૂચના અપાઈ હતી. મોલ મેનેજમેન્ટે મૉલમાં રહેલ સ્ટાફ તેમજ ગ્રાહકો મળીને 2 હજારથી વધુ લોકોને બહાર નીકળવાનું જણાવતા થોડા સમય માટે અફરા તફરીના દ્રશ્યો સર્જાયા હતા. અફરાતફરીમાં કેટલાક લોકો નીચે પડ્યા હતા. તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સુરતના ડુમ્મસ રોડ પર આવેલ VR મોલને એક ઈ-મેઈલ આવ્યો છે. જેમાં લખ્યું હતું કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’.

મોલને ધમકી ભર્યો ઈ-મેઈલ આવતા જ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ઉમરા પોલીસ, એસઓજી, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ, ડોગ સ્ક્વૉડ અને બોમ્બ સ્ક્વૉડની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ તો ડૉગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર મૉલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મૉલની આસપાસનો વિસ્તાર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોય તેવો માહોલ ઉભો થયો છે.

સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર, કેએન ડામોરે સ્થળ પરથી આ અંગે માહિતી આપી છે કે VR મોલમાં સાંજે 4 વાગ્યાની આસપાસ એક ઈ-મેઈલ આવ્યો હતો. જેમાં લખેલુ હતું કે VR મોલમાં બોમ્બ મુકવામાં આવેલો છે, જે મોર્નિંગમાં બ્લાસ્ટ થશે. પોલીસની ટીમ, એસઓજી ક્રાઈમ, ડોગ સ્ક્વૉડ સહિતની ટીમ તપાસ થઈ રહી છે.

મહત્વનું છે કે, આખા દેશમાં કુલ 52 જગ્યાઓ પર આ પ્રકારના ઈ-મેઈલ આવ્યા છે.