સુરેન્દ્રનગરમાં રુપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા
લોકસભા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી ક્ષત્રિય સમાજ રુપાલાની ટીકીટ રદ્દ કરવા માટેની પોતાની માગને લઈને આંદોનલ કરી રહ્યા છે. પરશોત્તમ રૂપાલા પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી ચૂક્યા છે. પરંતુ ક્ષત્રિય સમાજ રુપાલાની ટીકીટ રદ્દ કરવાની તેમની માંગને લઈને અડગ છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ એકઠો થયો છે અને ઠેર ઠેર સભાઓ, રેલીઓ અને મહાસંમેલન યોજાઇ રહ્યાં છે, ત્યારે હવે પાટીદાર સમાજે રૂપાલાને ખુલ્લુ સમર્થન જાહેર કર્યુ છે. આજે સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ મેદાને ઉતર્યો છે.
સુરેન્દ્રનગરમાં પાટીદારોએ રૂપાલાને ખુલ્લુ સમર્થન આપતા તેમના સમર્થનમાં પોસ્ટરો લગાવવાનું શરૂ કર્યુ છે. જેને જોતા હવે એવુ લાગી રહ્યું છે કે હવે લડાઇ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોથી આગળ વધીને પાટીદારો પર પણ આવી છે.
હવે પરષોત્તમ રુપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ મેદાને ઉતર્યો છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર શહેરમાં પરષોત્તમ રુપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. જિલ્લાના શહેરના વઢવાણ રોડ પર રુપાલાની ટિકીટ રદ્દ ના થવી જોઈએ તેવા લખાણો સાથે પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાડીને સમર્થન આપવામાં આવ્યુ છે. પરષોત્તમ રુપાલાના સમર્થનમાં બેનર લાગતા જિલ્લાનું સ્થાનિક રાજકારણ ફરીથી ગરમાયું છે.
રુપાલા મામલે ક્ષત્રિયોએ ધંધૂકામાં મહારેલી યોજીને મહાસંમેલન ભર્યુ હતુ, આ સંમેલન દરમિયાન રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ ફરી એકવાર પાક્કી કરાઇ હતી. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રુપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડગ છે. ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.
ભાજપ માટે અત્યારે રાજ્યમાં કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે ભાજપ હાઇકમાન્ડ પણ રૂપાલાની ટિકિટ નહીં કાપવાનો મક્કમ નિર્ણય કરી ચૂક્યું છે.