સોના અને ચાંદીના ભાવ ઉંચી સપાટીએ પહોંચતા રોકાણકારો ખુશખશાલ છે જ્યારે ખરીદદારો ચિંતિત છે. આજે અમદાવાદ ખાતે સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 73500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચી હતી. જો કે, ચાંદી રૂ. 81000 પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર રહી હતી. એપ્રિલ મહિનામાં 1 કિલો ચાંદી 5000 રૂપિયા મોંઘી થઇ છે
સોના અને ચાંદીના ભાવ દરરોજ નવી ઉંચી સપાટીને સ્પર્શી રહ્યા છે. ભાવ આસામાને પહોંચતા સામાન્ય લોકો માટે સોના ચાંદીની ખરીદી માત્ર સપનું બનીને રહી જશે. સ્થાનિકબજારમાં 10 ગ્રામ સોનાના ભાવ 73000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. તો ચાંદી પણ 81000 રૂપિયા પ્રતિ કિલો થઇ છે.
સોનું અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. 99.9 શુદ્ધ સોનાનો ભાવ 73500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તેના આગલાના દિવસે સોનું પહેલીવાર 73000 રૂપિયા હતું. તેવી જ રીતે 99.5 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 73300 રૂપિયા થયો છે.
અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 81000 રૂપિયા પ્રતિ 1 કિગ્રા સ્થિર હતા, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 2339.72 ડોલર પ્રતિ ટ્રોસ ઔંસ ક્વોટ થઇ રહ્યું છે, જે ઓલટાઇમ હાઇ નજીકનું લેવલ છે. તો ચાંદી 27.83 ડોલર પ્રતિ ટ્રોસ ઓંસ બોલાઇ રહી છે, જે બે વર્ષનો સૌથી ઉંચો ભાવ છે.
સોના-ચાંદીની કિંમતોમાં તેજી પાછળનું કારણ સેન્ટ્રલ બેન્કો દ્વારા મોટાપાયે લેવાલી છે. સેન્ટ્રલ બેન્કો જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ તેમજ ડોલરની સ્થિતિને ધ્યાનમાં રાખતાં ખરીદી વધારી છે. ચીન પણ મોટાપાયે સેફ હેવન સોના-ચાંદીની ખરીદી કરી રહ્યું છે. નિષ્ણાતો પણ ચાંદી આગામી સમયમાં રૂ. 85 હજાર પ્રતિ કિગ્રા અને સોનું રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ થવાનો આશાવાદ આપી રહ્યા છે.