ગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં નકલી પોલીસ કે અધિકારીઓથી લઈને ખાવા-પીવાની વસ્તુઓ પણ નકલી મળી રહી છે. હવે સુરતમાંથી નકલી ગુટખા અને શેમ્પુ બનાવતા કારખાનાનો પર્દાફાશ થયો છે. સુરતનાં માસમા ગામના જીઆઈડીસી વિસ્તારમાં એક ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ડવ શેમ્પુ, વિમલ પાન મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફેક્ટરીમાંથી કુલ રૂપિયા 50 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર વસ્તુઓ બિહાર રાજ્યમાં મોકલવામાં આવતી હતી.
ઓલપાડ પોલીસે બાતમીનાં આધારે માસમા ગામની સીમમાં ચાંદ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ ખાતે આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જેમાં બ્રાન્ડેડ કંપનીનાં નામે નકલી ડવ શેમ્પુ, વિમલ પાનમસાલા બનાવીને પેકિંગ કરતા હોવાનું પકડાયુ હતું . અહીં 6 વ્યક્તિ લાયસન્સ તથા પરમીટ વગર નકલી ડવ શેમ્પુ તથા વીમલ પાન મસાલાનું પેકિંગ કરતા હતા. પોલીસે ગોડાઉનમાંથી નકલી શેમ્પુ અને પાનમસાલા બનાવવાના 3 મશીનો, 700 કિલો મટીરિયલ અને રોલ કબજે કર્યાં હતા. 1800 લીટર ડુપ્લીકેટ શેમ્પુનું રોટ-મટીરિયલ અને 37 પેકેટો કબજે કરવામાં આવ્યા હતા. આ મામલામાં નકલી ફેક્ટરી ચલાવનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ઓરીજીનલ કંપનીઓના ઓથોરાઈઝ પર્સનનો સંપર્ક કરી તેમની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
ઓલપાડ પીઆઈ સીઆરજાદવએ જણાવ્યું હતું કે દરોડો પાડીને ડવ શેમ્પુ તથા વિમલ પાન મસાલાનું ડુપ્લીકેટીગ કરતી ગેંગને ઝડપી પાડી છે. જેમાં વિમલ ગુટખાનો કુલ મુદામાલ 28.31 લાખ અને ડવ શેમ્પુનો 21.85 લાખ આમ વિમલ પાન મસાલા, તમાકુ અને ડવ શેમ્પુ તેમજ અલગ અલગ મશીનરી મળી કુલ રૂપિયા 50.16 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગોડાઉન ચલાવનાર ઇસમ સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતો અબ્દુલ હફીઝ ઉર્ફે રાજુભાઈ મહમદ શફી હિરાગલ છે, અને તેની સાથે મજૂરો આ પ્રોડક્ટનું પેકિંગ કરીને બોક્સ બનાવતા હતા. આ તમામને હાલ પૂછપરછ અર્થે પોલીસ મથકે લાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હાલ તો સમગ્ર મામલે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.