મહારેલીમાં જનસૈલાબ ઉમટ્યો, પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાયા હતા
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની મહારેલી પૂર્ણ થઈ છે. આ મહારેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાયા હતા. તો બીજી તરફ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની બોપલ પોલીસે અટકાયત કરી હતી.અટકાયતના થોડા જ કલાકોમાં તેમને શાહીબાગ હેડક્વાર્ટરથી મુક્ત કરાયા છે.
પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્ય સરકારની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જે નિષ્ફળ ગઈ હતી. કારણ કે બેઠકમાં હાજરી પૂર્વે જ ક્ષત્રિય નેતાઓ, મહિલાઓએ કહી દીધું હતું કે રૂપાલાને ટિકીટ રદ કરવા સિવાય કોઈ સમાધાન, માફી નહીં. આ સ્થિતિમાં આજે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો જારી રહ્યા હતા. ત્યારે આજે રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ એકઠા થઈને મહારેલી યોજી હતી.
પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજકોટમાં રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે રાજકોટમાં મહારેલીનું આયોજન કરાયું હતું. આથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો બહુમાળી ભવન ખાતે એકઠા થયા હતા. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાયા હતા. રેસકોર્ષથી આ વિશાળ રેલીની શરુઆત થઈ હતી. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મહારેલી દરમિયાન કરણી સેનાના આગેવાન પદ્મિનીબા વાળા બેભાન થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજકોટમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની મહારેલી પૂર્ણ થઈ છે. રેલી બહુમાળી ચોકથી લઈને કલેક્ટર ઓફિસ સુધી યોજાઈ હતી. આ રેલીમાં કોંગ્રેસ નેતા ગાયત્રી બા સહિતના આગેવાનો જોડાયા હતા. આ મહારેલીમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ જોડાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હજી પણ ઉગ્રતા વધતી જશે. રેલીમાં રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા.
બીજી તરફ, ક્ષત્રિય સમાજની મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ મહિલાઓને મળવા માટે પહોંચેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહની બોપલ પોલીસે અટકાયત કરી હતી. જોકે અટકાયતના થોડા જ કલાકોમાં શાહીબાગ હેડક્વાર્ટરથી મહિપાલસિંહ મકરાણાને મુક્ત કરાયા છે. હવે પોલીસ તેમને રાજસ્થાન બોર્ડર સુધી મુકવા જશે.