હજારો ક્ષત્રિયોએ “રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરો”ના નારા લગાવ્યા હતા
ગુજરાતમાં રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. ક્ષત્રિયાણિઓના જૌહરની ચીમકી વચ્ચે આજે દ્વારકામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યક્રમમાં હોબાળો થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, રજની પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, આર.સી. ફળદુ, હકુભા જાડેજા, સહિતના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અચાનક ક્ષત્રિય સમાજના કાર્યકરો ધસી આવ્યા હતા અને “રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરો”ના નારા લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. થોડીવાર માટે કાર્યક્રમ સ્થળે દોડધામ મચી હતી. જે બાદ આ ઘટનાના પગલે પોલીસ દ્વારા થોડી વારમાં સમગ્ર મામલો શાંત પાડવામાં આવ્યો હતો.
ક્ષત્રિય સમાજના લોકો આકરા પાણીએ આવી ગયા છે. તેઓએ કાર્યક્રમમાં રાખવામાં આવેલી ખુરશીઓને પણ ઊંધી કરી દીધી હતી. મોટી સંખ્યામાં અહીં ક્ષત્રિય સમાજ ભેગો થયો હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસે પોતાની કામગીરી કરી હતી અને ખાસ વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને બ્લોક કરી દીધા હતા. આ બનાવ બનતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાથે એલસીબી, એસ.ઓ.જી., સહિતના પોલીસ સ્ટાફની ટીમે પરિસ્થિતિ પારખીને વિરોધ વ્યક્ત કરતા કાર્યકરોને આ સ્થળેથી દૂર ખસેડ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
જિલ્લા ભાજપના મહત્ત્વના એવા આ કાર્યક્રમ દરમિયાન રૂપાલાના ભૂતકાળના કથનનો વિરોધ વ્યક્ત કરતો કાર્યક્રમ થતા થોડો સમય ભારે દોડધામ મચી જવા પામી હતી. મહત્ત્વની બાબત તો એ છે કે, આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો-કાર્યકરો કાળા વાવટા લઈને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી જતા આ બાબતે પણ ભારે ચર્ચા જાગી છે.