જોહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિય સમાજની મહિલાઓને બોપલમાં નજર કેદ કરવામાં આવી

mahipatsingh

મહિપાલસિંહ મકરાણા અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

પરષોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ જ્યારથી જોહરની વાત કરી છે ત્યારે કરણી સેનાના આગેવાનોએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ મહિલાઓ ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે જૌહર કરવા માટે જાય તે પહેલા તેમને નજર કેદ કરવામાં આવી હતી. આ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલાપાલ સિંહ મકરાણા પણ અહીં આવી પહોંચ્યા હતા. બોપલમાં તેઓ જોહરની ચીમકી ઉચ્ચારનારી ક્ષત્રિયાણીઓને સમજાવવા પહોંચ્યા હતા. જ્યાં મહિપાલસિંહ મકરાણા અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

જોહર કરનાર મહિલાઓએ પોલીસને કહ્યું, અમારા ઘરેથી અમને જવા દો. અમને રોકવા માંગો છો. 10થી વધુ મહિલા હાલમાં ઘરમાં હાજર છે. પાંચેય ક્ષત્રિયાણીઓને નજર કેદ કરવામાં આવી છે. પોલીસે ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે. બોપલ ખાતેના ઘરની આસપાસના વિસ્તારમાં પોલીસની અવરજવર પણ વધી છે.

મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ જે મહિલાઓ વિશે ખરાબ બોલી શકતો હોય તે ના કોઇ પાટીદાર હોઇ શકે અને ના કોઇ રાજપૂત હોઇ શકે. આમના સ્થાને કોઇ ક્ષત્રિય સમાજનો વ્યક્તિ હોત તો પણ આવો જ જવાબ આપ્યો હોત. આ પ્રકારની ટિપ્પણી કરીને મહિલાઓનું ચરિત્રહરણ કરનારને માફી કેવી રીતે આપી શકાય. અમે મોટુ મન ત્યારે રાખત જ્યારે વાત કોઇ પુરુષની હોત. અમારા સમાજના કોઇ પુરુષ વિશે ટિપ્પણી કરી હોત તો અમે તેમને માફ કરી દેત, પણ વાત અમારી મહિલાઓના ચરિત્રની છે અને મહિલાઓના ચરિત્ર અંગે વાત કરનારને મુહતોડ જવાબ આપીશું.

મહિપાલસિંહે જણાવ્યું કે, કે, દરેક લોકોનું સ્વાભિમાન હોય છે. રાજપૂત હોય કે દલિત, તમામ મહિલાઓનું માન સરખું હોય છે. રાજપૂત સમાજના એટલા ખરાબ દિવસો આવ્યા નથી કે, મહિલાઓને જૌહર કરવું પડે, તેમના રાજપૂત ભાઈ જીવતા છે. અમે એ સમાજમાંથી આવીએ છીએ કે, માથુ કપાઈ જાય અને ધડ લડે. અમે ડરીને ઘરે બેસી ગયા નથી. અમે અમારી બહેનોને જૌહર કરવા દઈશું નહીં. અમે હાલ તેમને મનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો અમને ઉમેદવાર બદલાવતા આવડે છે. અમે હવે ભાજપ અને રૂપાલાનો ઉપાય શોધી કાઢ્યો છે. જે કમળના ફૂલને અમે માથા પર બેસાડ્યું એ કમળને અમે ભૂલ ગણાવી શકીએ છીએ. અત્યારે કમલ કા ફૂલ હમારી ભૂલ નારો આપવા માટે નથી આવ્યો. જો ઉમેદવાર બદલવાનો મૂડ નહીં બને તો મૂડ બનાવવામાં આવશે. જ્યાં સુધી આમને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીં જ છું. સમગ્ર સમાજ અહીં છે.

મહિપાલ સિંહ મકરાણાએ મોટું એલાન કરતાં કહ્યું કે 24 રાજ્યોમાં જઈને કરણી સેનાના માધ્યમથી અમે રૂપાલાનો મુદ્દો ઊઠાવીશું. બોયકોટ ભાજપના બેનરો લગાવીશું. હવે અમે નક્કી કરી લીધું છે – કમળ નો ફૂલ અમારી ભૂલ એવા સૂત્ર સાથે આગળ વધીશું. અબ કી બાર સંસદ બહાર ફેંકવાની તૈયારી છે. જ્યારે પણ સન્માનની વાત આવશે અમે આર પારની લડાઈ લડીશું. નૂપુર શર્મા કે કંગના રાનોતની વાત આવી ત્યારે આ કરણી સેના જ ભાજપની સાથે ઉભી રહી હતી. હું ફરી કહું છું જૌહર એકલા થઇ શકે જ નહીં. જૌહર એક પરંપરા છે. જૌહર વ્રત છે.