રૂપાલાને બદલવાની આગમાં ગુજરાતની રાજપૂતાણીઓ જોહર કરશે
રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવાતા ક્ષત્રિય સમાજની મહિલાઓએ આવતી કાલે જોહર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આવતીકાલે 7 ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરશે. ક્ષત્રિય મહિલાઓની આ જાહેરાતથી પોલીસ દોડતી થઈ છે.
પુરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી ક્ષત્રિય સમાજ રુપાલાની ટીકીટ રદ્દ કરવા માટેની પોતાની માગને લઈને મક્કમ છે. પરશોત્તમ રૂપાલા પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી ચૂક્યા છે. પરંતુ ક્ષત્રિય સમાજની માંગ છે કે ભાજપ રૂપાલાની ટીકીટ રદ્દ કરે. તેવામાં હવે એવી માહિતી મળી રહી છે કે, કેટલીક ક્ષત્રિય મહિલાઓએ આવતીકાલે ગાંધીનગરમાં કમલમ ખાતે જોહર કરવાની ચીમકી આપી છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય મહિલાઓએ જોહર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
પ્રજ્ઞાબા ઝાલાએ જણાવ્યું હતું કે, ‘રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કાલે જોહર કરીશું. આજથી અમે જોહરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોહર પહેલા અમે છેલ્લીવાર દુલ્હનની જેમ સજી લઈએ. અમે સુહાગન છીએ એટલે અમારા હાથમાં મહેંદી લગાવી રહ્યા છીએ. આજે મહેંદી લગાવીશું અને સાધુ સંતોના આશીર્વાદ મેળવીશું. કાલે સાંજે 4 વાગ્યા બાદ અમે જોહર કરીશું. પરંતુ જો 4 વાગ્યા પહેલા રુપાલા અંગેનો નિર્ણય થશે તો અમારે આહૂતિ આપવાની જરુર નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય મહિલાઓને જ્યારે લાગે કે હાર થઈ છે, ત્યારે આ પગલું ભરતી હોય છે. રૂપાલામાં એવું શું છે કે તેમને હટાવી શકાતા નથી. અમે એક જ વારમાં રજવાડા આપી દીધા હતા. તો અમારી તો એક માંગ છે.’ અમે બે દિવસનું અલ્ટિમેટમ આપ્યુ હતું જે પૂરું થયું તેથી આવતીકાલે અમે જૌહર કરીશું. હસતા મોઢે જૌહર કરીએ છીએ રાજનીતિ ન કરતા. ત્યારબાદ ચેતનાબા જાડેજા તેમજ ગીતાબા પરમારે પણ જોહર કરવાની વાત કરી છે.
ક્ષત્રિય મહિલાઓની આ જાહેરાતથી પોલીસ દોડતી થઈ છે. જોહરના નિર્ણય બાદ પોલીસની ટીમ ક્ષત્રિય મહિલાઓના ઘરે તેમના નિવેદન લેવા માટે પહોંચી છે અને મામલો થાળે પાડી સમજાવવાનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનો પણ ક્ષત્રિય મહિલાઓને સમજાવવા માટેનાં પ્રતત્નો કરી રહ્યા છે. પાટીદાર ભાઈઓએ પણ જૌહર ન કરવા વિનંતી કરી છે.
નોંધનીય છ કે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા આવતીકાલે ગોધરા અને રાજકોટમાં મોટો કાર્યક્રમ યોજાશે. આવતીકાલે બેઠકોનો દૌર ચાલશે. જે માટે ઉતેલિયાના યુવરાજ સાહેબ ભગીરથ સિંહને મોટી જવાબદારી અપાઈ છે. ત્યારબાદ 7મી એપ્રિલે રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ મહિપાલસિંહ પણ ઉપસ્થિત રહેશે. જેની રણનીતિ ઘડવા માટે ગત 3 એપ્રિલે ધંધુકા રાજપૂત બોર્ડિંગમાં મીટિંગ યોજાઈ હતી. જેમાં ધંધુકા, રાણપુર, બરવાળા અને ધોલેરા તાલુકાના ક્ષત્રિય સમાજના 500થી વધારે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે રૂપાલા વિરુદ્ધ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે.