ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ, આગામી નિર્ણય હવે પાર્ટી દ્વારા લેવામાં આવશે

rupala

‘રૂપાલાને માફ કરવા અમે તૈયાર નથી, કોઈ રાજકીય પક્ષ અમારા પર દબાણ કરી શકશે નહીં.
પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા સિવાય કોઇ સમાધાન નહીંઃ કરણસિંહ ચાવડાએ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ્દ કરવાની માગ પર અડગ છે. આ અંગે ગઈકાલે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે તેઓ રૂપાલાને માફ કરે. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજ સાથે 3 એપ્રિલે બેઠક કરાશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈને આજે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી.

બેઠક નિષ્ફળ રહી
જોકે, ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની આ બેઠક નિષ્ફળ રહી છે. આજે અઢી વાગ્યે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે.જાડેજા સહિતના ભાજપના નેતાઓની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જયરાજસિંહ પરમાર, હકુભા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તીબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં ચાર ક્ષત્રિય મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. પદ્મિનીબા પણ બેઠકમાં પહોંચ્યા હતા. બેઠક પહેલા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ‘અમારી ત્રણ માંગો છે.’

રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી
પરશોત્તમ રૂપાલા મુદ્દે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા બંધ બારણે પૂર્ણ થઈ હતી. બેઠકમાં ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ પોતાની વાત મૂકી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાની બેઠક રદ્દ કરવાની માગ પર અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. કોઈ નિર્ણય ન આવતા બેઠક નિષ્ફળ રહી છે. આ અગાઉ આજે ક્ષત્રિય આગેવાનોની 15 સભ્યોની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 92 ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા.

બીજી બેઠક થાય એવું લાગતું નથીઃ ભૂપેન્દ્રસિંહ
ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે, ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે અને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ યથાવત છે. જેથી બેઠકમાં કોઇ નિરાકરણ આવ્યું નથી. રૂપાલા દ્વારા ત્રણ – ત્રણ વાર માફી મંગાઈ છે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. તેમજ બીજી બેઠક થાય એવું લાગતું નથી.

આગામી નિર્ણય હવે પાર્ટી દ્વારા લેવામાં આવશે
આ સાથે જ ભાજપ નેતાએ કહ્યું કે, આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. તે અમને મંજૂર નથી એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે. અમે પાર્ટીમાં અહીંયા બેઠકમાં જે વાત થઈ તે રજૂ કરીશું. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. આ અંગે હવે પાર્ટી દ્વારા હવે આગામી નિર્ણય લેવામાં આવશે.

રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલોઃ ક્ષત્રિય સમાજની એક જ માગ
બેઠક બાદ ભાજપ ક્ષત્રિય નેતાએ જણાવ્યું કે, કોર કમિટી સાથે બેઠક કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. પરંતુ બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે.

ચૂંટણી પંચે રૂપાલાને ક્લિનચીટ આપી
રૂપાલા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ થઇ હતી. જેના પર તપાસ હાથ ધરવા માટે નોડલ ઓફિસર અને એક પ્રાંત અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. તમામ વીડિયો અને પુરાવાઓની તપાસ બાદ ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરને આ મામલે તપાસનો રિપોર્ટ મોકલાયો હતો. ત્યાંથી આ રિપોર્ટ ચૂંટણી પંચને સુપરત કરાયો હતો. તપાસ રિપોર્ટના આધારે જ રૂપાલાને ચૂંટણી પંચે ક્લિનચીટ આપી દેતાં ભાજપે રાહતના શ્વાસ લીધા હતા.

સમગ્ર વિવાદ શું છે તે જાણો?
રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરશોત્તમ રુપાલાના આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી.