જો રૂપાલાની ટિકિટ રદ્દ નહિ થાય તો આખો રાજપૂત સમાજ માની લેશે કે ભાજપ રૂપાલા સાથે છે
ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે આજે શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી. બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ પોતાની વાત મૂકી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાની બેઠક રદ્દ કરવાની માગ પર અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. બેઠકમાં કોઈ નિર્ણય ન આવતા ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની આ બેઠક નિષ્ફળ રહી છે. બેઠક બાદ ક્ષત્રિય સમાજ અને ભાજપ નેતાઓ વચ્ચેની બેઠક બાદ ભાજપના પ્રતિનિધીઓ અને ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપ અને ક્ષત્રિય સમાજે અલગથી પત્રકાર પરિષદને સંબોધી હતી.
ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અમે કોર કમિટિ સામે અમારી વાત મુકી છે. રૂપાલા ત્રણ- ત્રણ વાર માફી માંગી ચૂક્યા છે. પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી હતી. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે અને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ યથાવત છે. જેથી બેઠકમાં કોઇ નિરાકરણ આવ્યું નથી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. તેમજ બીજી બેઠક થાય એવું લાગતું નથી. વધુમાં તેમણે કહ્યું કે બેઠકમાં જે પણ ચર્ચા થઈ તે હવે અમે પક્ષમાં રજૂઆત કરીશું. આગળનો નિર્ણય હવે પાર્ટી લેશે.
આ મામલે ક્ષત્રિય સમાજે કહ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવી જ પડશે. જો ટિકિટ રદ્દ નહીં થાય તો અમે અપક્ષ ઉમેદવારી નોંધાવીશું. ગુજરાતની તમામ 26 સીટો પર અસર દેખાશે. અમારા 400 ભાઈ-બહેન અપક્ષમાં ઉમેદવારી કરશે. સંસ્કૃતિના મુદ્દે અમને હળવાશથી લેવાનો સરકારે પ્રયાસ કર્યો છે. બેઠકમાં ટિકિટ રદ્દ કરવા સિવાય કોઈ ચર્ચા કરવામાં આવી નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.’ તો ક્ષત્રિય આગેવાન વાસુદેવસિંહ ગોહિલે કહ્યું કે, ‘રૂપાલાના પત્ની કે ભાઈને ટિકિટ આપો તો વાંધો નહીં.’ તેમજ અમારા આગામી જે આયોજનો યથાવત જ રહેશે.
કરણસિંહ ચાવડાએ કહ્યું હતુ કે ભાજપ સાથેની બેઠકમાં અમે સર્વાનુમતે રજૂઆત કરી હતી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા સિવાય કોઇ સમાધાન નહીં. ‘આ અમારી નેતાઓ સાથે છેલ્લી બેઠક હતી. હવે રૂપાલાને હટાવવા અંગે કોઈ બેઠક થશે નહીં. એક બાજુ ભારતના 22 કરોડ ક્ષત્રિયો છે ત્યારે હાઇકમાંડને અમારી વાત પહોંચાડજો. હવે કોઇ બેઠક થશે નહીં. કોઈ રાજકીય પક્ષ અમારા પર દબાણ કરી શકશે નહીં. પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવશે. ભાજપ માટે રુપાલા મહત્વના છે કે રાજપૂત સમાજ?
ક્ષત્રિયોના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં થાય. 8 એપ્રિલ સુધી રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે નહિ તો આજે બેઠકમાં બહેનો એ કહ્યું કે કાલે કમલમમાં જોહાર કરીશું. પણ અમે વિનંતી કરી છે કે આવું કરવાની જરૂર નથી.
મહિલા આગેવાન તૃપ્તિ બા રાઓલે કહ્યું હતું કે રાજપૂતોની ઇતિહાસની કુરબાની ભૂલાઈ અને નિવેદનો અપાયા છે. આ સ્વાભિમાનનો સવાલ છે. અમે અત્યાર સુધી ભાજપના વિરોધમાં નથી ગયા, પણ જો રૂપાલાની ટિકિટ રદ્દ નહિ થાય તો આખો રાજપૂત સમાજ માની લેશે કે ભાજપ રૂપાલા સાથે છે અને યોગ્ય જવાબ આપશે.
તેમણે કહ્યું હતું કે, રૂપાલાનું નિવેદન રાજપૂતોનાં ઇતિહાસ પર છાંટા ઉડાડવાની વાત સમાન છે. તેમનુ વિવાદાસ્પદ નિવેદન કોઈ હિસાબે ભૂલથી બોલાયેલું નથી. હાલમાં શાંતિમય વાતાવરણમાં અનુશાસન જળવાઈ રહે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે.