પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઇને હવે સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પર મક્કમ છે
લોકસભાની ચૂંટણી પહેલા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આવા સમયે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. તેઓ પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે અને પરશોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘બહેન-દીકરીઓનું અપામાન ન ચાલવી લેવાય.’
ગાંધીનગરમાં આજે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી બીજેપી સરકાર અને રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઇ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યુ કે પરશોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાન્ડ જવાબદાર રહેશે. તેમને એ પણ દાવો કર્યો કે જો ભાજપ ઉમેદવાર નથી બદલતું તો એનો મતલબ એ માનવામાં આવશે કે રૂપાલાના નિવેદનમાં ભાજપ અને હાઈ કમાંડ આડકતરી રીતે રૂપાલાએ આપેલ નિવેદનના સમર્થનમાં છે. આ પટેલ-ક્ષત્રિયની લડાઈ નથી કે કોંગ્રેસ-ભાજપની પણ નથી. અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરી ઉમેદવાર બદલો અને અમે સહમત નથી. જો ઉમેદવાર બદલાઈ જાય તો વિવાદ પૂરો થઈ જાય.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપની માનસિકતા મહિલા વિરોધી છે. કોઈપણ નેતાએ જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદીએ આંધળો બોલવાનાં કારણે જ મહાભારત થયું હતું એટલે ભાજપના નેતાઓને આ પ્રકારના નિવેદન શોભતા નથી.. ‘રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બહેન-દીકરીઓ વિશે ગમે તેવુ નિવેદન કરનારા સામે સરકારે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે.
વાધેલાએ કહ્યું કે, ‘આ મુદ્દે વિરોધ કરનાર બહેનોની ધરપકડ કરવામાં આવે તો આ સારી વાત નથી, આ લૂખી દાદાગીરી છે. સમાજને દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. જો નિર્ણય વહેલા નહીં લેવાય તો ચિંગારી ક્યાં જશે એ કહેવાય નહીં.’ તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ મણિપુર બાબતે મૌન રહેવું યોગ્ય નથી.
રાજ્યમાં અત્યારે ભાજપ માટે રાજકીય કટોકટી જેવી સ્થિતિ પેદા થઇ છે. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા તેને લઇ અનેક બેઠકો પર રોષ છે આવા જુથવાદ વચ્ચે રૂપાલા વિવાદ ભાજપ માટે મુસીબત બન્યો છે. પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ નિવેદન બાદ જો કે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી. તેમ છતા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે.