Lok Sabha Elections 2024: ભાજપે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાત, ગુજરાત સહિત ચાર રાજ્યના મુખ્યમંત્રીઓ સામેલ

bjp-menifesto-cover

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરા સમિતિની જાહેરાત કરી
ચૂંટણી ઢંઢેરા સમિતિમાં 27 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે “મેનિફેસ્ટો કમિટી”(ચૂંટણી ઢંઢેરા સમિતિ)ની જાહેરાત કરી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ 27 સભ્યોની કમિટીની જાહેરાત કરી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિનું નેતૃત્વ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષ પદે રચાયેલી આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને સંયોજક(કન્વીનર) અને પિયૂષ ગોયલને સહ-સંયોજક(કો-કન્વીનર)ની જવાબદારી સોંપાઈ છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડે CM ભૂપેન્દ્ર પટેલ પણ મહત્વની જવાબદારી સોંપી છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર મેનિફેસ્ટો કમિટીની પહેલી બેઠક એપ્રિલના પહેલા સપ્તાહમાં બોલાવવામાં આવશે. આ સમિતિમાં ગુજરાત સહિત ચાર રાજ્યના મુખ્યમંત્રીઓને પણ સામેલ કરાયા છે. તેમાં ભૂપેન્દ્ર પટેલની સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયને પણ સ્થાન અપાયું છે. આ ઉપરાંત તેના સભ્યોમાં શિવરાજ સિંહ ચૌહાણ, સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે, કિરેન રિજીજુ, કેશવ પ્રસાદ મૌર્ય, અને અર્જુન મુંડા જેવા ચર્ચાસ્પદ ચહેરા પણ સમાવાયા છે.

મેનિફેસ્ટો કમિટીની રચના પ્રદેશ અને અનુભવને ધ્યાનમાં લીધા વિના તમામ વર્ગોની આકાંક્ષાઓને સામેલ કરવાના પ્રયાસરૂપે કરવામાં આવી છે. પ્રાદેશિક સંતુલન અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યના નેતાઓને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય પીએમના GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા) સૂત્રને ધ્યાનમાં રાખીને પણ આ યાદી તૈયાર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ થાય છે કે મેનિફેસ્ટોમાં આ ચાર વિભાગોને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી શકે છે.

દરેક વર્ગની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને સામાજિક સંતુલન બનાવવા માટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મહિલા નેતાઓના પ્રતિનિધિત્વને કારણે નાણા મંત્રીઓ નિર્મલા સીતારમણ, વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાનીને મેનિફેસ્ટો કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. એ જ રીતે, અર્જુન મુંડા, જુયલ ઓરાઓન, વિષ્ણુદેવ સાઈ અને કિરણ રિજિજુને આદિવાસી જૂથની આકાંક્ષાઓ પૂરી કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ધાર્મિક જૂથોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અનિલ એન્ટોનીને ખ્રિસ્તી સમુદાયમાંથી અને તારિક મંસૂરને મુસ્લિમ સમુદાયમાંથી રાખવામાં આવ્યા છે. શીખ સમુદાયના મનજિંદર સિંહ સિરસાને સ્થાન મળ્યું છે. ઉત્તર પૂર્વના લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કિરણ રિજિજુને મેનિફેસ્ટો કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાર્ટીના સૌથી મોટા નેતા પીએમ મોદી 31 માર્ચથી પાર્ટીના ચૂંટણી પ્રચારનો શુભારંભ કરવાના છે. પીએમ મોદીએ આ વખતે 400થી વધુ સીટો જીતવા માટેનું લક્ષ્ય રાખ્યું છે.