મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારી અને ગાજીપુર ડીએમ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી

afzal-ansari

માફિયા ડોન મુખ્તાર અંસારીના મૃતદેહ ભારે ભીડ વચ્ચે કબ્રસ્તાન પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં તેને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સમર્થકોની ભારે ભીડ પણ હતી. કબ્રસ્તાનની બહાર પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા હતી. પોલીસ સાથે મુખ્તારના પરિવાર પણ ભીડને નિયંત્રિત રાખવા માટે મદદ કરી રહ્યો હતો. પરંતુ તે સમયે તેના મોટા ભાઈ અને સાંસદ અફઝલ અંસારી અને વહીવટીતંત્ર તથા ગાઝીપુર ડીએમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

હકીકતમાં ગાજીપુરના DM આર્યકા અખોરીએ સુપુર્દ-એ-ખાક પ્રક્રિયા દરમિયાન અફઝલ અંસારીને તેમના પરિવારના સભ્યો સાથે કબ્રસ્તાન જવા કહ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર ઇચ્છતુ હતું કે મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવામાં આવે. જ્યારે પરિવાર આ વાત પર સહમત નહોતો. ડીએમએ કહ્યું કે આખું નગર માટીનું દાન કરવા જઈ શકે નહીં, ફક્ત પરિવારના સભ્યો જ ત્યાં જઈ શકે છે અને તેની પરવાનગી છે. આના પર અફઝલ અંસારી ગુસ્સે થઈ ગયો હતો.

અફઝલે કહ્યું હતું કે જે પણ લોકો મુખ્તાર અંસારીને સુપુર્દ એ ખાકમાં સામેલ થવા ઈચ્છતા હોય તો તેમને કોઈ અટકાવી શકે નહીં. જેના જવાબમાં ડીએમ આર્યકા અખોરીએ કહ્યું કે હું ડીએમ છું અને આ માટે મંજૂરી આપી શકું નહીં. ત્યાર બાદ અફઝલે કહ્યું કે તમે ગમે તે હોય, ધાર્મિક વિધિ માટે અથવા કોઈને માટી આપવા માટે મંજૂરીની જરૂર નથી. ત્યારે ડીએમએ કહ્યું હતું કે મંજૂરીની જરૂર હોય છે, કારણ કે અહીં કલમ 144 લાગુ છે. તમે ફક્ત તમારા પરિવારના સભ્યો સાથે જ જઈ શકો છો. જો પરવાનગી વિના કંઈ થશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. ત્યારબાદ અફઝલ અંસારીએ કહ્યું હતું કે જે લોકો પણ માટી આપવા ઈચ્છતા હોય તે અંદર આવી શકે છે. કોઈ તેમને અટકાવી શકશે નહીં.

સમર્થકોએ કબ્રસ્તાનમાં પ્રવેશવા માટે બેરિકેડ તોડી નાખ્યા

મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કાર દરમિયાન તેમના સમર્થકોએ કબ્રસ્તાનમાં પ્રવેશવા માટે બેરિકેડ તોડી નાખ્યા બાદ અરાજકતા સર્જાઈ હતી. ગાઝીપુરના એસપી ઓમવીર સિંહે કહ્યું, ઘણા લોકો પાછા ફર્યા છે અને બાકીના લોકો ધીમે ધીમે પાછા જતા રહ્યા છે. જેમણે પણ હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો તેમની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. આવા લોકોની ઓળખ કરવામાં આવી છે. આચારસંહિતા મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોચ્ચાર કરનારાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
સમગ્ર ઘટના બાદ ગાઝીપુરના ડીએમ આર્યકા અઘોરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અંતિમ સંસ્કાર હોવાથી વધુ લોકો આવ્યા હતા. પરંતુ જે લોકોએ પણ સૂત્રોચ્ચાર કર્યાં છે તેમની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ત્યાં આચારસંહિતા છે, તેથી સૂત્રોચ્ચાર કરીને તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

અફઝલ અન્સારીએ લગાવ્યો આરોપ
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અન્સારીનું કહેવું છે કે, “મુખ્તાર અંસારીને મારી નાખવામાં આવ્યો છે અને રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે સમય આવશે ત્યારે અમે મજબૂત પુરાવા આપીશું કે તેને ઝેર આપીને મારવામાં આવ્યો હતો. કેટલાક અપરાધિઓને બચાવવા માટે આખી સરકારે કાવતરુ રચ્યું છે, તેમને શરમ નથી આવતી.

વધુમાં તેણે કહ્યું કે 26 માર્ચે, મુખ્તાર અંસારીને બાંદા જેલમાંથી મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે તેમને એટલા માટે મોકલવામાં આવ્યા હતા કારણ કે ડૉક્ટરોએ સૂચવ્યું હતું. અમને સવારે 3 વાગે મેસેજ મળ્યો કે મુખ્તાર અંસારીની હાલત ગંભીર છે. અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમને માત્ર 5 મિનિટ માટે મળવા દેવામાં આવ્યા હતા. આ 5 મિનિટની બેઠક દરમિયાન, મુખ્તાર અંસારીએ કહ્યું કે તેને ઝેર આપવામાં આવ્યું હતું અને તેના કારણે તે બેહોશ થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે તે ખૂબ જ પીડામાં હતો. તેણે કહ્યું કે તે બેહોશ થઈ ગયો હતો અને તેને તે જ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.”