આમ આદમી પાર્ટીની યોજના કેજરીવાલની ધરપકડનો મુદ્દો બનાવીને જનતા પાસેથી સહાનુભૂતિ મેળવવાનો છે
અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં સુનીતા કેજરીવાલ જ છે જેમના નામ પર આમ આદમી પાર્ટી એકજૂથ છે
લીકર કૌભાંડમાં ઈડી દ્વારા ધરપકડ કરાયેલા દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને લઈને હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે તે હવે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનું સ્થાન લઈ શકે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમના પત્ની સુનીતા કેજરીવાલ પર પાર્ટીને ઘણી આશા છે. જો કે તેઓ પાર્ટીને એકજૂથ રાખવા માટે મેદાનમાં ઉતરી ચુક્યા છે. હાલમાં જ તેમનો એક વીડિયો ચર્ચામાં છે જેમાં તેમણે તેમના પતિ અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કર્યા હતા અને કહ્યું હતું કે ઈડીએ તેમના ઘરેથી માત્ર 73 હજાર રૂપિયા જ રિકવર કર્યા છે.
પૂર્વ IRS અધિકારી સુનીતા કેજરીવાલ અને અરવિંદ કેજરીવાલ બંને IRS ઓફિસર રહી ચૂક્યા છે. બિહારમાં ઘાંસચારા કૌભાંડમાં લાલુ યાદવને જેલમાં જવું પડ્યું ત્યારે તેમની જગ્યાએ તેમની પત્ની રાબડી દેવીને મુખ્યપ્રધાન પદની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝારખંડમાં હેમંત સોરેનની ધરપકડ બાદ તેમના પત્ની કલ્પના સોરેનને જે રીતે તેમની પાર્ટીએ આગળ વધાર્યા હતા, તેવી જ રીતે સુનીતા કેજરીવાલને પણ આગળ વધારવાની રણનીતિ છે. એ જ તર્જ પર હવે એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીના મુખ્યપ્રધાન પદની જવાબદારી સુનીતા કેજરીવાલને સોંપવામાં આવી શકે છે.
કેજરીવાલની ધરપકડ બાદથી પાર્ટીના મામલે તેમની સક્રિયતા વધી ગઈ છે. અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં સુનીતા કેજરીવાલ જ છે જેમના નામ પર પાર્ટી એકજૂથ છે. સુનિતા કેજરીવાલ એક ઉચ્ચ શિક્ષિત મહિલા છે. 31 માર્ચે તેઓ પહેલી વખત કોઈ રાજકીય મંચથી પોતાનું ભાષણ આપી શકે છે. સુનીતા કેજરીવાલ મંચ પરથી બોલવા માટે છેલ્લાં ઘણાં દિવસથી તૈયારીઓ કરી રહી છે. નોંધનીય છે કે 31 માર્ચે રામલીલા મેદાનમાં એક મહારેલી છે. આ રેલીમાં તેઓ ભાષણ આપી શકે છે.
આમ આદમી પાર્ટીની યોજના કેજરીવાલની ધરપકડનો મુદ્દો બનાવીને જનતા પાસેથી સહાનુભૂતિ મેળવવાનો છે. પાર્ટી આ મુદ્દો સુનીતા કેજરીવાલના માધ્યમથી યોગ્ય રીતે ઉઠાવવા માગે છે. સુનીતા કેજરીવાલ પોતાની રાજકીય સક્રિયતા વધારતા 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી સતત ત્રણ વખત ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરી ચુક્યા છે. હવે 31 માર્ચે થનારી મહારેલી માટે આપ સંપૂર્ણ તાકાત લગાવી રહી છે.
આપ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુનીતા કેજરીવાલને રાજકીય રીતે લૉન્ચ કરવા માટે આ એક ઉમદા તક છે. તેઓ આ મંચના માધ્યમથી જનતા સમક્ષ સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશે. જેના માધ્યમથી કેન્દ્ર પર હુમલો કરતા પોતાની પાર્ટીનો એજન્ડા પણ રાખશે. આપ રણનીતિકારોનું માનવું છે કે આ મહારેલીની સફળતાની અસર આ લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે.
આપ પાર્ટીનાં કાર્યકર્તાઓને તે વાતનો ખ્યાલ છે કે મુખ્યમંત્રી ભલે કહી રહ્યાં હોય કે તેઓ ટૂંક સમયમાં જ જેલમાંથી બહાર આવી જશે પરંતુ તેમને આ એટલું આસાન નથી લાગી રહ્યું. જેલમાંથી કેજરીવાલ સરકાર ચલાવી શકશે કે નહીં અને ચલાવશે તો કેટલા દિવસ માટે ચલાવી શકશે તે હજુ સ્પષ્ટ નથી.