મારા જીવનમાં આવું ક્યારેય નથી થયું, મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છેઃ રુપાલા
રૂપાલાએ માફી માગી લીધી એટલે આ વિવાદનો અંત આવી ગયો : જયરાજસિંહ જાડેજા
ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ કરેલી ટિપ્પણીને લઈને છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની જગ્યાએ બીજા ઉમેદવારને ઉતારવાની માંગ કરવામાં આવી રહી હતી. જેના પગલે ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવી ગયું હતુ. જે અંતર્ગત આજે ગોંડલ ખાતે પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં ફરીથી રૂપાલાએ માફી માંગી હતી. જ્યારે જયરાજસિંહ જાડેજાએ આ વિવાદનો અહીંથી જ અંત આવ્યો હોવાનું જણાવ્યું હતુ.
આજે રાજકોટના ગોંડલના શેમાળા ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ફાર્મ હાઉસ ‘ગણેશગઢ’ ખાતે એક મોટી બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, કરણી સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ પહોંચ્યા હતા. ભાજપના ટોચના ક્ષત્રિય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ અપીલ કરી છે.
રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. તેમણે કહ્યું કે, ‘મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે સમાજની માફી માગુ છું. આ ક્ષતિ સંપૂર્ણ મારી ક્ષતિ છે, જવાબદાર હું છું. મારી આખી જિંદગીમાં કોઈ નિવેદન કરીને મેં પાછું ખેંચ્યુ હોય, તેવો કોઈ રેકોર્ડ નથી. મારા કારણે ક્ષત્રિય સમાજને સહન કરવું પડશે તેની જવાબદારી મારી. હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરૂ છું અને માફી માગુ છું.’ આ સાથે રૂપાલાએ જયરાજસિંહનો પણ આભાર માન્યો હતો.
આ દરમિયાન પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, મારા માટે અફસોસની વાત છે કે આવી ભૂલ થઈ, મારા જીવનમાં આવું ક્યારેય નથી બન્યું. હું જયરાજસિંહજીનો આભારી છું કે તમે આ આગેવાની લીધી અને આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં પ્રયાસ કર્યો છે. મારા કારણે પાર્ટીને નુકશાન થયું તે માટે હું સૌની માફી માંગુ છું. હું કાર્યક્રમમાં જતો હોવ તેમ મારું સ્વાગત કરાયું છે. મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે. મારી જીભથી ક્યારે આવું થયું નથી. મારા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. મેં તેની માફી પણ માગી છે. મેં બે હાથ જોડીને માફી માગી છે. મારા માટે નહીં પરંતુ મારી પાર્ટી માટે મને માફ કરી દો.
જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ‘પરશોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયું. રૂપાલાએ 40 મિનિટનો માફીનો વિડિયો મૂક્યો છે. તેમણે સમાજની માફી માગી છે એટલે આ વિવાદનો અંત આવી ગયો છે. હવે રાજપૂત સમાજમાં કોઈ રોષ નથી. રૂપાલા સાહેબની ભૂલને ભૂલી જવાની છે. આ મારો નિર્ણય નહીં, રાજપૂત સમાજનો નિર્ણય છે. પુરષોતમ રૂપાલાને માફ કરવા મંચ પરથી અપીલ કરુ છું. આપણો ક્ષાત્રય ધર્મ કહે છે કે આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવે તો આપણે માફી આપી દઈએ, ઈતિહાસમાં આવું બન્યું છે.’
માફીનો વિરોધ કરનારાઓને જયરાજસિંહ જાડેજાએ સલાહ આપતા કહ્યું હતું કે, ‘સમાજને ગુમરાહ ન કરો. પી.ટી.જાડેજાએ પણ અગાઉ માફી માગી છે. એનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો હતો. તમે સમાજને ગુમરાહ ન કરો, એમ છતાં કાંઈ કરવું હોય તો કરી લેજો. મારી સીટ પર મારા સમાજના માત્ર સાત હજાર મત છે. ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. ગોંડલ બેઠક પર લેઉવા પટેલ મતદારો છતા ક્ષત્રિયને ટિકિટ આપી છે. પાર્ટી સમજી વિચારીને ટિકિટ આપી છે. ભાજપે રાજ્યસભામાં પણ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપ્યુ છે.’
જયરાજસિંહે સવાલ ઉઠાવનારાઓને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, ‘હું સોશિયલ મીડિયાનો જવાબ આપતો નથી. બહાદુરો એકઠા થાય તો તે જ્યાં કહેશે ત્યાં હુ જવા તૈયાર છું. સોશલ મીડિયામાં સવાલો કરનારા એક જગ્યાએ એકઠા થાય હું જવાબ આપીશ.’