કોર્ટે કેજરીવાલના રિમાન્ડમાં ચાર દિવસનો વધારો કર્યો, 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે

kejriwal in court

ઈડીએ વધુ સાત દિવસનાં રિમાન્ડની માગ કરી હતી, કોર્ટે 4 દિવસનો વધારો કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં કોર્ટે રાહત આપી નહોતી. ગુરુવારે કેજરીવાલના રિમાન્ડ પૂરા થતા ઈડીએ તેમને ફરી એકવાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કર્યા હતા અને વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ઈડીએ દાવો કર્યો હતો કે હજુ કેજરીવાલનો અન્ય આરોપીઓ સાથે આમનો સામનો કરાવવાનું બાકી છે. સુનાવણી પૂરી થતાં ઈડીની કસ્ટડીની માગ પર કોર્ટે ચુકાદો અનામત રાખી લીધો હતો. જો કે થોડીવાર પછી કોર્ટે ચુકાદો સંભળાવતા કેજરીવાલના રિમાન્ડમાં ચાર દિવસનો વધારો કર્યો હતો અને તેમને પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હીના સીએમના રિમાન્ડની માંગ કરતી વખતે EDએ કહ્યું કે મોબાઇલ ફોન (અરવિંદ કેજરીવાલની પત્નીના)માંથી ડેટા કાઢવામાં આવ્યો છે અને હાલમાં તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જો કે, અન્ય ચાર ડિજિટલ ઉપકરણો (CM કેજરીવાલ સાથે સંબંધિત) માંથી ડેટા જપ્ત કરવામાં આવ્યો છે, જે 21 માર્ચ, 2024 ના રોજ દિલ્હીના મુખ્યમંત્રીના પરિસરમાંથી તપાસ દરમિયાન મળી આવ્યો હતો.

કેજરીવાલ આઈટી રિટર્નની વિગતો નથી આપી રહ્યાઃ ઈડી
આ દરમિયાન ઈડીએ ફરી એકવાર કેજરીવાલના રિમાન્ડની માગ કરી હતી. ઈડીએ રજૂઆત કરી કે, ‘અમે કેજરીવાલનો સામનો ગોવાના નેતાઓ સાથે કરાવવા માગીએ છીએ.’ ઈડીએ દાવો કર્યો હતો કે, ‘કેજરીવાલ આઈટી રિટર્નની વિગતો નથી આપી રહ્યા. તેઓ સીધા જવાબ નથી આપી રહ્યા. ધરપકડ કરવાનો અમારો અધિકાર છે. આ કેસમાં 100 કરોડની લાંચ માગવામાં આવી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે તપાસમાં સહયોગ કરવો જોઈએ.’

કેજરીવાલે ઈડીના અધિકારીઓનો આભાર માન્યો
રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થવા પહોંચેલા મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલાને એક રાજકીય કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘આ કાવતરું ઘડનારા લોકોને જનતા જ જવાબ આપશે. તપાસ માટે ઈડીના અધિકારીઓનો આભાર. મને કેમ પકડ્યો છે તે મને સમજાતું નથી? બે વર્ષથી આ બધુ ચાલે છે. કોઈ કોર્ટે અત્યાર સુધી મને દોષિત નથી માન્યો. મારી સામે કોઈ આરોપો નથી.’ આ દરમિયાન તેમણે મોટો આરોપ મૂકતાં કહ્યું કે, ‘અમારા વિરોધીઓ આમ આદમી પાર્ટીને તોડીને તેને ખતમ કરવા માગે છે.’

મારું નામ ફક્ત ચાર નિવેદનમાં આવ્યું છેઃ કેજરીવાલ
કેજરીવાલે કોર્ટ સમક્ષ તેમની ધરપકડનો વિરોધ કરતા કહ્યું કે, ‘મારી ખોટી રીતે ધરપકડ કરાઈ છે. શું ઈડી પાસે મારી વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા છે? મારું નામ ફક્ત ચાર નિવેદનમાં આવ્યું છે.’ આ અંગે જજે કેજરીવાલને જવાબ આપતા કહ્યું હતું કે, ‘તમે લેખિતમાં નિવેદન કેમ નથી આપતા? તમારે લેખિતમાં નિવેદન આપવું જોઈએ.’ ત્યારે કેજરીવાલે કહ્યું કે, ‘આ મામલો બે વર્ષથી ચાલે છે. ઈડીએ 25 હજાર પાનાની તપાસ કરી છે. ઈડી ફક્ત મારી ધરપકડ કરવા માગતી હતી. શું એક નિવેદન એક મુખ્યમંત્રીની ધરપકડ કરવા કાફી છે? અમે દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. હું રિમાન્ડનો સામનો કરવા પણ તૈયાર છું.’ કેજરીવાલે કહ્યું કે, જો 100 કરોડનું કૌભાંડ થયું છે તો કૌભાંડના પૈસા ગયા ક્યાં? વાસ્તવમાં EDની તપાસ બાદ કૌભાંડ શરૂ થાય છે. EDનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે.