અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી કોઈ રાહત નહીં, 3 એપ્રિલે થશે આગામી સુનાવણી

kejriwal-highcourt

તપાસ એજન્સીને ખબર પડી છે કે જ્યારે દિલ્હીની નવી લિકર પોલિસી બની રહી હતી ત્યારે કેજરીવાલ આ કૌભાંડમાં સામેલ દરેક વ્યક્તિના સંપર્કમાં હતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે હજુ સુધી કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડમાંથી કોઈ રાહત આપી નથી. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં રહેલ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી બુધવારે પણ રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીનાં કન્વીનરની વચગાળાની મુક્તિની માંગ કરતી અરજી પર તાત્કાલિક આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે વિગતવાર સુનાવણી વિના આદેશ આપી શકાય નહીં.

આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેંચમાં ચાલી રહી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે ઈડીને નોટિસ પાઠવીને 2 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, ઈડીનો જવાબ જાણવો પણ જરૂરી છે. આમ, હાઈકોર્ટ હવે 3 એપ્રિલે આ મામલાની સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલ હાલ ઈડીની કસ્ટડીમાં જ રહેશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઈડીની લીગલ ટીમના જણાવ્યા મુજબ આવતીકાલે ગુરુવારે રાઉઝ એવન્યૂ કોર્ટની વિશેષ અદાલતમાં ઈડીની રિમાન્ડ વધારવાની ચર્ચા કર્યા પહેલા સીબીઆઈની અરજી મેન્શન કરાશે. ઈડી હાલ કેજરીવાલના રિમાન્ડ વધારવા પર ભાર નહીં આપે, કારણ કે ઈડી ઈચ્છે છે કે, સીબીઆઈ કેજરીવાલની થોડી દિવસ પૂછપરછ કરે, ત્યારબાદ ઈડી રિમાન્ડ વધારવા માંગ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઈડી પાસે કુલ 14 દિવસના રિમાન્ડનો અધિકાર હોય છે. કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. અત્યારે કેજરીવાલ 22થી 28 માર્ચ સુધી 6 દિવસનાં ઈડીના રિમાન્ડ પર છે. જેથી ઈડી પાસે રિમાન્ડ માટે હજુ 8 દિવસ બચ્યા છે.

મહત્વનું છે કે, કેજરીવાલે પોતાની ધરપકડને પડકારતા ઈડીની કસ્ટડીમાંથી મુક્ત કરવા માંગ કરી હતી. કેજરીવાલની અરજી પર જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચની સામે બંને પક્ષોએ પોતાની દલીલ રજૂ કરી હતી. કેજરીવાલના વકીલ દ્વારા સૌથી મોટી દલીલ આપવામાં આવી હતી કે જો ધરપકડ ગેરકાયદે છે તો એક દિવસ પણ વધારે છે. હવે કોર્ટે તે દલીલમાં અત્યાર સુધી વધુ વિશ્વાસ દર્શાવ્યો નથી અને તેથી જ સીએમ કેજરીવાલને કોઈ રાહત મળી નથી.

ASG રાજૂએ કહ્યું કે, અમે ડિટેઇલ્સમાં જવાબ ફાઈલ કરવા માંગીએ છીએ. મુખ્ય કેસમાં અમને ત્રણ અઠવાડિયા અપાયા હતા. આ મામલે પણ અમને પોતાનો જવાબ દાખલ કરવા માટે જરૂરી સમય આપવામાં આવે. 32 પાનાની રિમાન્ડ અરજીમાં તપાસ એજન્સીએ કેજરીવાલ પર કેટલાક લોકોને ફાયદો પહોંચાડવા માટે દારૂની નીતિ બનાવવાનો અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મુખ્ય કર્તાહર્તા છે અને તેઓ હંમેશા તત્કાલિન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સંપર્કમાં હતા. ગોવાની ચૂંટણીમાં પ્રચાર માટે લાંચ તરીકે મળેલા 100 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોવામાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે આ વાતની પુષ્ટિ કરી છે જેને ચૂંટણી ખર્ચ માટે રોકડ આપવામાં આવી હતી. 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રચારમાં સામેલ લોકોના નિવેદનો પરથી જાણવા મળ્યું છે કે સર્વેયર, એરિયા મેનેજર, એસેમ્બલી મેનેજર તરીકે કામ કરતા લોકોને રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી.

કેજરીવાલ હાલમાં જે કેસમાં સંડોવાયેલા છે તેમાં ED પાસે તેમની સામે કેટલાક પુરાવા હોવાનું કહેવાય છે. અત્રે એ સમજવું જરૂરી છે કે EDની જે ચાર્જશીટ બહાર આવી છે તેમાં અરવિંદ કેજરીવાલનું નામ એક વાર નહીં પરંતુ ઘણી વખત આવ્યું છે. હવે નામ એટલા માટે છે કારણ કે તપાસ એજન્સીને ખબર પડી છે કે જ્યારે દિલ્હીની નવી લિકર પોલિસી બની રહી હતી ત્યારે કેજરીવાલ આ કૌભાંડમાં સામેલ દરેક વ્યક્તિના સંપર્કમાં હતા.

EDના જણાવ્યા અનુસાર, ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. જ્યારે કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમના વતી કેજરીવાલનું નામ પણ લેવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે કે કવિતા, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે રાજકીય સમજણ ચાલી રહી છે.

EDએ અરવિંદ કેજરીવાલને લાંચ લેવા અને પછી તેનો ઉપયોગ કરવાના મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. આમ આદમી પાર્ટી એક કંપની છે, પરંતુ તેનું વ્યક્તિગત અસ્તિત્વ નથી. આથી કંપનીના કામકાજ સાથે સંકળાયેલી વ્યક્તિને જવાબદાર ઠેરવવામાં આવી છે. કથિત કૌભાંડ સમયે કેજરીવાલ આમ આદમી પાર્ટીના વડા હતા. તેથી પીએમએલએની કલમ 4 અને પીએમએલએની કલમ 70 હેઠળ કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.

ઈડીએ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તેમના નિવાસ્થાનેથી 21 માર્ચે ધરકપડ કરી હતી. ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલના 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ધરપકડ બાદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી જ રહેશે અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે.