થોડા સમય પહેલા જ રાજ ઠાકરેએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી ત્યાર બાદ અટકળો શરુ થઈ હતી.
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં સૌથી ઓછા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન એવી ચર્ચા છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથે ગઠબંધન કરી શકે છે અને તે શિવસેનાના અધ્યક્ષ બની શકે છે.
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા, ચોવીસ કલાકમાં બે વખત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ચર્ચા અને મહાયુતિના બધા જ નેતાઓ તરફથી આપવામાં આવી રહેલા નિવેદનોથી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના મહાયુતિમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા જણાઇ રહી છે. જોકે, આવામાં એક અત્યંત ચોંકાવનારી માહિતી મળી રહી છે. રાજ ઠાકરેની મનસે અને એકનાથ શિંદેની શિવસેના બંને પક્ષો એક થઇ શકે તેવી માહિતી મળી રહી છે.
અહેવાલો અનુસાર, એમએનએસના શિવસેના (શિંદે) સાથે ગઠબંધનની ચર્ચાઓથી રાજકીય માહોલ ગરમાયો છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે જાહેરત કરવામાં આવી નથી. જો એમએનએસના વડા રાજ ઠાકરે શિવસેનામાં પાછા ફરે છે, તો રાજ ઠાકરે શિવસેનાના નેતા તરીકે મહારાષ્ટ્રમાં પ્રચાર કરી શકે છે. બાલાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેના સીએમ એકનાથ શિંદેની સાથે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના રાજ ઠાકરે સાથે ખૂબ સારા સંબંધો છે.
રાજ ઠાકરેની અમિત શાહ સાથે શિંદે-ફડણવીસ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા થઇ. અમિત શાહ સાથે દિલ્હીમાં 40 મીનિટ સુધી ચર્ચા થઇ અને ત્યારબાદ મુંબઈ પાછા આવીને સૌપ્રથમ ફડણવીસ સાથે અને બીજા દિવસે ફાઇવ સ્ટાર હોટેલમાં શિંદે અને ફડણવીસ બંને સાથે બેઠક યોજી. આ બેઠકમાં તેમને મનસેનું શિંદેની શિવસેના સાથે વિલીનીકરણ કરીને તેના અધ્યક્ષ બનવાનો પ્રસ્તાવ આપ્યો હોવાના અહેવાલ છે. રાજ ઠાકરે સમક્ષ ત્રણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પહેલો પ્રસ્તાવ શિવસેનામાં મનસેનું વિલીનીકરણ કરીને તેના અધ્યક્ષ બનવાનો મૂકાયો હોવાના અહેવાલ છે. જ્યારે બીજો વિકલ્પ લોકસભામાં મહાયુતિને સમર્થન આપીને વિધાનસભામાં સન્માનજનક બેઠકો મેળવવાનો અપાયો હતો. આ ઉપરાંત ત્રીજો વિકલ્પ લોકસભાની ચૂંટણીમાં એક-બે બેઠકો લઇને વિધાનસભામાં ઓછી બેઠકો મેળવવાનો આપવામાં આવ્યો હોવાનું એક અખબારના અહેવાલમાં જણાવાયું છે.
કોંગ્રેસ અને ભાજપે તેમના કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સિવાય શરદ પવારની આગેવાની હેઠળની NCPએ સુપ્રિયા સુલેને બારામતીથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે અને અજિત પવારની આગેવાની હેઠળના પક્ષોએ હજુ સુધી ઉમેદવારો જાહેર કર્યા નથી. મહાવિકાસ અઘાડી તેમજ મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રાજ ઠાકરે તેમના પુત્ર અમિત સાથે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. રાજ ઠાકરે સાથે થયેલી બેઠકમાં ફક્ત આ લોકસભાની ચૂંટણી માટે તેમનું સમર્થન મેળવવા અથવા તેમની સાથે જોડાણ કરવા પૂરતી જ ચર્ચા કરવામાં આવી નથી. લાંબા સમય સુધી રાજ ઠાકરેને મહાયુતિ સાથે રાખી શકાય એ માટેના વિકલ્પો માટે ચર્ચા કરવામાં આવી હતી અને એ માટે જ પ્રયત્નો શરૂ છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર અપડેટ બહાર આવ્યું નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, જો આવું થાય તો ભાજપ રાજ ઠાકરે સાથે લાંબા ગાળાની ભાગીદારી કરવા માંગે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ભાજપ શિવસેના (શિંદે)ની સાથે છે.
રાજ ઠાકરે શિવસેનાથી છૂટા પડ્યા ત્યારે જ મૂળ શિવસેનાની શક્તિ ઓછી થઇ હતી. હવે તેમાં એકનાથ શિંદેએ પણ શિવસેનાથી છેડો ફાડીને શિવસેનાનું નામ અને પક્ષનું ચિન્હ મેળવ્યું. હવે જો રાજ અને શિંદે એક થઇ જાય તો ઉદ્ધવ ઠાકરે માટે આગળનો રસ્તો વધુ મુશ્કેલ બને તેવી શક્યતા છે. આ ઉપરાંત જો રાજ મહાયુતિમાં સામેલ થાય તો ઉદ્ધવ ઠાકરે માટે મહાયુતિના દરવાજા હંમેશા માટે બંધ થઇ જશે તેવી ચર્ચા છે.