આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઈરાક (ISIS)એ શુક્રવારે મોસ્કોના ક્રોકસ કોન્સર્ટ હોલમાં થયેલા ફાયરિંગ અને બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લીધી છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવાર રાત્રે મૉસ્કોના એક કૉન્સર્ટ હૉલમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. સાથે જ રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત પણ કરી છે. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, ક્રોકસ સિટી હૉલમાં થયેલ આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકો ભોગ બન્યા હતા. મને વિશ્વાસ છે કે ક્રોકસ હુમલાના પીડિતોનો જીવ બચાવવા માટે ડૉક્ટરો તમામ પ્રયાસ કરશે. સાથે સાથે જ પુતિને એમ કહ્યું કે, આ હુમલા પાછળ જે કોઈનો પણ હાથ છે, હું શપથ લઉ છું કે તેમને છોડવામાં નહીં આવે. તેમણે એ પણ દાવો કર્યો છે કે બંદૂકધારીઓએ યૂક્રેન ભાગવાના પ્રયાસ કર્યા. આજે રશિયન રાજ્ય મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં ઇમરજન્સી વાહનોની લાઇન જોવા મળી હતી.’
હુમલાની જવાબાદરી ISISએ લીધી
શુક્રવારે મૉસ્કોના ક્રોકસ કૉન્સર્ટ હૉલમાં થયેલા ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ સીરિયા એન્ડ ઈરાક (ISIS)એ લીધી છે. ISISએ પોતાની ટેલીગ્રામ ચેનલ પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘અમારા લડવૈયાઓએ રશિયાની રાજધાની મૉસ્કોમાં ક્રોકસ કૉન્સર્ટ હૉલમાં હુમલો કર્યો હતો. હુમલાખોર સુરક્ષિત રીતે પોતાના ઠેકાણાઓ પર પરત પહોંચી ગયા છે. આ ભયંકર હુમલામાં અત્યાર સુધી 150 લોકોના મોત થયા છે. ‘
11 લોકોની અટકાયત કરી
રશિયાની ગુપ્તચર એજન્સીઓએ મોસ્કોના ક્રોકસ સિટી હોલ પર હુમલાની તપાસના સંદર્ભમાં 11 લોકોની અટકાયત કરી છે, જેમાંથી ચાર આતંકવાદી હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ તમામ ક્રોકસ સિટી હોલ હુમલામાં સીધા જ સામેલ હતા.
રશિયાની તપાસ કમિટીનું કહેવું છે કે હુમલાના સામેલ ચારેય શખ્સો રશિયાના બ્રાંસ્ક વિસ્તારમાંથી ઝડપાયા હતા. આ વિસ્તાર યુક્રેનની બોર્ડરથી ઘણો નજીક છે. સ્થછાનિક સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર એફએસબીના પ્રમુખે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પકડાયેલા શખ્સો વિશે જાણકારી આપી હતી.
અમે આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ: રશિયા
હુમલો થયો તે સમયે ક્રોકસ સિટી હૉલમાં સોવિયત કાળના પ્રખ્યાત મ્યૂઝિક બેન્ડ ‘પિકનિક’નું પરફૉર્મન્સ ચાલી રહ્યું હતું. આ મ્યૂઝિક કૉન્સર્ટમાં 6200 લોકો હાજર હતા. રશિયન અધિકારીઓએ કહ્યું કે, અમે આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ અને રાષ્ટ્રપતિ પુતિનને સતત અપડેટ કરાઈ રહ્યા છે. રશિયાના વિદેશ મંત્રાલયે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને ઈન્ટરનેશનલ સમુદાયે તેને જઘન્ય અપરાધની નિંદા કરવાની અપીલ કરી છે. નોંધનીય છે કે વ્લાદિમીર પુતિને હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટી જીત મેળવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત પાંચમો કાર્યકાળ સંભાળવા જઈ રહ્યા છે.
યુક્રેને સંડોવણીનો કર્યો ઈનકાર
આ હુમલો છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં થનારો સૌથી ઘાતક હુમલો હતો. હુમલા બાદ તરત જ કેટલાક રશિયન સાંસદોએ યુક્રેન સામે આંગળી ચીંધી હતી. મોસ્કો આતંકી હુમલા પર યુક્રેનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના વરિષ્ઠ સલાહકાર મિખાઇલ પોડોલ્યાકે કહ્યું, ‘અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે યુક્રેનને આ હુમલાઓ સાથે કોઈ લેવાદેવા નથી. અમે એક દેશ તરીકે રશિયન સૈન્ય અને રશિયન ફેડરેશન સાથે સંપૂર્ણ પાયે, સર્વશ્રેષ્ઠ યુદ્ધમાં છીએ. અને અન્ય કંઈપણને ધ્યાનમાં લીધા વિના, યુક્રેન યુદ્ધના મેદાનમાં તેની રીતે લડશે. મિખાઈલોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે, ‘યુક્રેને ક્યારેય આતંકવાદી પદ્ધતિઓનો ઉપયોગ નથી કર્યો.
મૃતકોની સંખ્યા વધીને 150 થઈ
મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોનો આંકડો વધીને 150એ પહોંચી ગયો છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 120 છે. રશિયાના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધી 11 લોકોની અટકાયત કરાઈ છે. તપાસ કરનારી સમિતિના જણાવ્યા અનુસાર આ 11 લોકોમાંથી ચાર જણા સીધી રીતે હુમલામાં સામેલ હતા.