કેજરીવાલેએ લાંચના 45 કરોડ ગોવા અને પંજાબની ચૂંટણીના ફંડ માટે હવાલાથી ટ્રાન્સફર કર્યા હતા
ઈડીએ દલીલ કરી કે, કેજરીવાલ જ લીકર પોલિસીના માસ્ટર માઈન્ડ
અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડ કેસમાં ગુરુવારે મોડી સાંજે ઈડીએ દિલ્હીનાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ બાદ આજે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા. ઈડીએ કોર્ટમાં 28 પેજની દલીલ રજુ કરી હતી. ઈડીએ કોર્ટ સમક્ષ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં કોર્ટે કેજરીવાલ વિરુદ્ધ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. ઈડીએ કેજરીવાલના કૌભાંડના માસ્ટરમાઈન્ડ પણ કહ્યા હતા.
કોર્ટમાં દલીલો અને સુનાવણી પૂર્ણ
અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તા દ્વારા દલીલો કરવામાં આવી હતી. જે પૂર્ણ થઇ ચૂકી છે. બંને પક્ષો તરફથી લગભગ 3 કલાક સુધી દલીલો ચાલી હતી.
ગોવા અને પંજાબની ચૂંટણી માટે ફંડ ટ્રાન્સફર કર્યું, 600 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યુંઃ ઈડી
કોર્ટમાં ઈડીએ દલીલ રજુ કરી છે કે, કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી તૈયાર કરવામાં સીધી સંડોવણી છે અને બે વખત રોકડ ટ્રાન્સફર કરાયા છે. પહેલા 10 કરોડ અને પછી 15 કરોડ રૂપિયા અપાયા છે. મુખ્યમંત્રીએ આ રકમ ગોવા અને પંજાબની ચૂંટણીના ફંડ માટે ટ્રાન્સફર કરી છે. ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ દલીલો રજૂ કરી હતી.ઈડીએ કોર્ટમાં દલીલો દરમિયાન કહ્યું હતું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે લીકર પોલિસી દ્વારા 600 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું.
ધરપકડ કરવાની જરૂર કેમ પડીઃ કેજરીવાલના વકીલ
કેજરીવાલ તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએકેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો અને કહ્યું કે ED પાસે બધું જ છે તો ધરપકડની શી જરૂર હતી? કોઈને દોષિત શોધવાનું કારણ અને ED પાસે ઉપલબ્ધ સામગ્રી વચ્ચે સંબંધ હોવો જોઈએ. તમારી પાસે સત્તા છે એનો મતલબ એ નથી કે તમે ધરપકડ જ કરો. ધરપકડનો હક અને તેની જરૂરિયાત બંને અલગ વસ્તુ છે.
સિંઘવીએ કહ્યું કે ધરપકડનો આધાર શું છે? સાક્ષીઓના નિવેદનો? બધા પુરાવા મનમુજબ ઘઢી કાઢેલા છે. ઈડી ફક્ત 3-4 નામનો જ ઉલ્લેખ કરી રહી છે. સિંઘવીએ કહ્યું કે ઈડીએ પીએમએલએનો કેસ સાબિત કરવો પડશે. કેજરીવાલની ધરપકડ કેમ? કસ્ટડીમાં લઈને જ પૂછપરછ કરવાની ક્યાં જરૂર છે? સિંઘવીએ કહ્યું કે આવુ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી હોય. ચૂંટણી પહેલાં જ ધરપકડ કરાઈ છે. ચૂંટણી પહેલાં આવા પગલાં શા માટે? પહેલીવાર આપના તમામ મોટા નેતાઓની ધરપકડ કરાઇ.
ઈડીએ 28 પાનાના પુરાવાના આધારે રિમાંડ માગ્યા
ઈડીએ કુલ 28 પાનાના પુરાવા રજૂ કર્યા હતા અને તેના આધારે કેજરીવાલના રિમાંડની માગ કરી હતી. ઇડીએ આ દરમિયાન કોર્ટમાં એક ચેટ પણ રજૂ કરી હતી જેમાં પૈસાની લેવડ-દેવડ વિશેની વાત હતી. જેમાં પૈસા રોકડા કે પછી બેન્ક ખાતા સ્વરૂપે આવશે તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઈડીએ કહ્યું કે હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા ગોવામાં ટ્રાન્સફર કરાયા હતા. અમારી પાસે તેમનો ફોન રેકોર્ડ પણ છે. કુલ ચાર રુટ પરથી પૈસા ગોવા મોકલાયા હતા. વિજય નાયરની એક કંપનીમાંથી આ પુરાવા હાથ લાગ્યા હતા.
કે.કવિતાએ 100 કરોડ રૂપિયા આપને આપ્યા
બીજી બાજુ ઈડીએ કોર્ટમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે બીઆરએસ નેતા કે.કવિતાએ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા હતા. લાંચની રકમ રોકડમાં આપવામાં આવી હતી. કે.કવિતા તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની દીકરી છે. દારૂ કૌભાંડના આરોપી કવિતાનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. નોંધાયેલા નિવેદનો અનુસાર કેજરીવાલ કવિતાને મળ્યા અને કહ્યું હતુ કે તેઓએ દિલ્હીની દારૂની નીતિ પર સાથે મળીને કામ કરવું જોઈએ.
વિજય નાયર કેજરીવાલ માટે કામ કરી રહ્યો હતો
કોર્ટે કહ્યું કે આ કેસમાં જ મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમને પણ અત્યાર સુધી જામીન નથી મળ્યાં. દિલ્હીના એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં કેજરીવાલની સીધી રીતે સંડોવણી છે. તેમણે લાંચ માટે ખાસ લોકોનો પક્ષ લીધો હતો. દારૂ કૌભાંડનો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરી રહ્યો હતો. તે વચેટિયા તરીકે કામ કરતો હતો. કેજરીવાલે દક્ષિણ લોબી પાસેથી લાંચ માંગી હતી. અમારી પાસે તેની સામે લાંચ માંગવાના મજબૂત પુરાવા છે.
લાંચના પૈસાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરાયો
સુનાવણી દરમિયાન ઈડીએ દરોડા દરમિયાન મળેલી ફાઇલો રજૂ કરી હતી. ઈડીએ કોર્ટને જણાવ્યું કે દિલ્હી લિકર પોલિસીની રચનામાં કેજરીવાલની સીધી રીતે સંડોવણી હતી અને તેઓ આ કૌભાંડના માસ્ટર માઈન્ડ છે. લાંચના પૈસાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરાયો હતો.
10 દિવસની માંગી કસ્ટડી, 28 પાનાની દલીલો રજૂ
ઇડી દ્વારા 10 દિવસની કસ્ટડીની માંગ કરવામાં આવી છે. આ સાથે જ ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ કરે તે અંગે 28 પાનાની દલીલો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઈડીના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલની ગુરુવારે રાત્રે 9.05 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. તેને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અમે તેની 10 દિવસની રિમાન્ડ અરજી આપી છે. અમે તમામ જોગવાઈઓનું પાલન કર્યું છે. આ અંગે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. ઈડીએ કેજરીવાલની ધરપકડ અને તેમના ઘરે દરોડાની ફાઇલ પણ કોર્ટને બતાવી.