અક્ષયકુમાર, ટાઈગર શ્રીફ, સોનુ નિગમ, એ.આર.રહેમાન, નીતી મોહન, મોહિત ચૌહાણે એ પોતાના પર્ફોમન્સથી લોકોને ડોલાવ્યા
આજથી ક્રિકેટના સૌથી મોટા તહેવાર IPLની 17મી સિઝન શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ મેચ પહેલા ચેન્નાઇના એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. ચાહકોને રોમાંચનો સંપૂર્ણ ડોઝ મળ્યો.
IPLની ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફે ‘સારે જહાં સે અચ્છા સોંગ’ પર ડાન્સ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પછી બંનેએ વ્યક્તિગત પરફોર્મન્સ આપ્યું હતું. અક્ષયે દેશી બોયઝના ગીત ‘સુબહ હોને ના દે..’ તેમજ ભૂલ ભુલૈયા, પાર્ટી ઓલ નાઈટ.. ગીત પર પરફોર્મ કર્યું હતું. હબીબી ગીત પર ટાઈગરે સોલો પરફોર્મ કર્યું હતું. અક્ષય કુમારે હાઉસફુલ 4 ના બાલા-બાલા ગીત પર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ અક્ષય અને ટાઇગર બાઇક પર સુનો ગૌર સે દુનિયાવાલો ગીત પર સ્ટેડિયમની આસપાસ ફર્યા હતા. આ જોઈને ચાહકો પોતાની ઉત્તેજના પર કાબૂ રાખી શક્યા નહીં. ચાહકોએ બંનેને ખૂબ જ ચીયર કર્યા હતા.
સોનુ નિગમે પોતાના ગીતથી લોકોને ઝુમાવી દીધા. આ પછી એઆર રહેમાને પોતાના અવાજથી દર્શકોના દિલ જીતી લીધા. સોનુ નિગમે પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો. તેમણે વંદે માતરમ ગાયું અને ચાહકોનું દિલ જીતી લીધું. જ્યારે નીતિ મોહન, મોહિત ચૌહાણ પણ ગાવા આવ્યા ત્યારે તે વધુ રોમાંચક બન્યો. નીતિ મોહને બરસો રે મેઘા-મેઘા ગીત પર પરફોર્મ કર્યું હતું. અન્ય મહિલા ગાયિકાએ તેને સાથ આપ્યો. આ બંનેએ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પોતાના પ્રદર્શનથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
એઆર રહેમાને આખી ટીમ સાથે લોકપ્રિય ગીત ચલ છૈયાં છૈયાં પર પરફોર્મ કર્યું હતું. એઆર રહેમાન સાથે આખી ટીમ સાથે જય હો ગીત પર પરફોર્મ કર્યું હતું. એઆર રહેમાને મા તુઝે સલામ ગીત પર પરફોર્મ કરીને કાર્યક્રમનો અંત કર્યો હતો. મોહિતે ઈશ્ક મિટ્ટા ગાયું. ત્યારબાદ મોહિતે રહેમાન દ્વારા રચિત ફિલ્મ દિલ્હી-6નું મસકલી ગીત ગાયું હતુ.
આ પછી બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, સચિવ જય શાહ, આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલ, ટ્રેઝરર આશિષ શેલાર પણ મંચ પર પહોંચ્યા હતા. ત્યારબાદ બંને ટીમના કેપ્ટન અને સેલિબ્રિટીને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. આ પછી ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બધાએ એકસાથે ફોટો પડાવ્યો અને ઓપનિંગ સેરેમની પૂરી કરી.