ભરૂચમાં શંકરાચાર્યના મઢને સળગાવવાનો પ્રયાસ, ઘટના સીસીટીવીમાં કેદ

shankracharyaMath-Bharuch

અસામાજિક તત્ત્વનો આતંક, ‘સર તન સે જૂદા’ લેખલો પત્ર મુકી પૂજારીને મારી નાંખવાની ધમકી આપી

ભરૂચમાં લોકસભા ચૂંટણી પહેલા શાંતિ ડહોળવાનો પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે. શુક્રવારે વહેલી સવારે શંકરાચાર્ય મઠને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મઠ નજીકથી કેટલાક ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળ પણ મળી આવ્યા છે જેમાં પૂજારીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સઘન તપાસ હાથ ધરવા માટે વિવિધ ટીમ બનાવવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, અંદાજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એક શખ્સે મઠના દરવાજા પાસે કેટલીક વસ્તુ ફેંકી હતી અને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મોડી રાત્રે કાળા કપડા અને માથા પર જાળીવાળી સફેદ ટોપીમાં આવેલો એક નરાધમ મઠ પર જ્વલનશીલ પદાર્થ છાંટે છે. ત્યારપછી પથ્થરના ઘા મઠ પર કરે છે. એટલું જ નહીં પોતાના થેલામાં રહેલા કેટલાક ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળ ફેંકે છે. થોડીવાર પછી મઠમાં આગ લગાવીને ફરાર થઈ જાય છે. કાગળમાં મારી નાંખવાની ધમકી આપતા કેટલાક ઉશ્કેરણીજનક વાક્યો લખેલા હતા.

મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, હું સવારે 5 વાગ્યાની આસપાસ નજીકના મંદિરમાં પૂજા કરીને મઠમાં પરત ફર્યો તે સમયે પાડોશમાં રહેતા દિલીપ દવે દોડતા-દોડતા આવ્યા હતા અને જણાવ્યું હતું કે, કોઇ શખ્સે મઠના દરવાજાને આગ લગાવી છે. ત્યા જઈને મે ઓલવી નાંખી હતી. ત્યાર બાદ આગ કોણે લગાવી એ જોવા હું બહાર ગયો પરંતુ મને કોઇ જોવા મળ્યું ન હતું. સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે, નદીના કિનારા બાજુથી એક શખ્સ મઠ પરિસરમાં દાખલ થયો હતો. મઠ અને મંદિર પાસે કેટલીક સામગ્રી ફેંકી હતી. તે ચેક કરતા તેમાં સર તન સે જૂદા એવું લખાણ લખેલું હતું. પોલીસે આ તમામ સાહિત્ય કબજે કરી લીધું છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે આ ઘટનાને વખોડી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારા નરાધમને જલદી ઝડપી લેવા માંગ કરી છે.

નોંધનીય છે કે શંકરાચાર્ય મઠ અને તેની આસપાસના બે મંદિરો દ્વારકા શારદા પીઠ હેઠળ આવે છે, જે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર અગ્રણી ‘ પીઠ ‘ અથવા શિક્ષણના ક્ષેત્રો છે.