SBIએ યૂનિક નંબર સાથેની ઈલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ વિગતો ચૂંટણીપંચને આપી

sbi-electoral-bond

સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ: કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો આપી દીધી છે.

આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં કોર્ટ દ્વારા 18 માર્ચે આપવામાં આવેલા આદેશનું પાલન કરવામાં આવ્યું છે. ખરીદેલા અને કેશ કરાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડ વિશેની સંપૂર્ણ માહિતી અમે ચૂંટણી પંચને આપી છે. આલ્ફા ન્યુમેરિક નંબર સહિતની તમામ વિગતો અમે ચૂંટણી પંચને આપી છે.

એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે, ‘કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો આપી દીધી છે. આ વખતે આપવામાં આવેલી માહિતીમાં બોન્ડનો આલ્ફા ન્યુમેરિક નંબર એટલે કે યુનિક નંબર, બોન્ડની કિંમત, ખરીદનારનું નામ, પેમેન્ટ મેળવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંક, કિંમત અને રિડીમ કરેલ નંબરનો સમાવેશ થાય છે. સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રાજકીય પક્ષનો સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર, પક્ષની કેવાયસી માહિતી અને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારને શેર કરવામાં આવ્યા નથી.’

SBIએ આ માહિતી ECને આપી

બોન્ડ ખરીદનારનું નામ
બોન્ડ નંબર અને રકમ
બોન્ડ કેશ કરનાર પક્ષનું નામ
રાજકીય પક્ષના બેંક ખાતાના છેલ્લા 4 નંબર
કેશ કરાવેલા બોન્ડનો નંબર અને તેની રકમ

નોંધનીય છે કે 18મી માર્ચે એસબીઆઈને ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટની ટકોરનો સામનો કરવો પડ્યો હતો. એસબીઆઈ દ્વારા અગાઉ સબમિટ કરવામાં આવેલી સંપૂર્ણ માહિતીના અભાવ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે તમામ માહિતી સબમિટ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે સવાલ કર્યો હતો કે, એસબીઆઈએ કોર્ટના આદેશ છતાં તમામ માહિતી કેમ જાહેર નથી કરી. જ્યારે અમે કહીએ છીએ કે અમને બધી માહિતી જોઈએ છે. એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં સોગંદનામાં દ્વારા કોર્ટને આપવામાં આવે.’ ચીફ જસ્ટિસની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે પ્રાપ્ત માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પર પ્રકાશિત થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. આ સાથે ચીફ જસ્ટિસની બેન્ચે સ્ટેટ બેંકને આદેશ આપ્યો કે એપ્રિલ 2019થી 15મી ફેબ્રુઆરી 2024 સુધી કેટલા ઈલેક્ટોરલ બોન્ડ આપવામાં આવ્યા, કયા રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડમાંથી પૈસા મળ્યા તે તમામ માહિતી ચૂંટણી પંચને આપે. ત્યારબાદ 12 માર્ચે SBIએ ઈલેક્ટોરલ બોન્ડના ડેટા ચૂંટણી પંચને આપ્યા હતા.