EDની ટીમ પહોંચી અરવિંદ કેજરીવાલના ઘરે, કેજરીવાલની પૂછપરછ શરૂ, ધરપકડ થવાની શક્યતા

ed-kejriwal

હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કર્યાના થોડા કલાકો બાદ EDના દરોડા
9 સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ હાજર ન થયા
કેજરીવાલના ઘર બહાર પોલીસ કાફલો ખડકાયો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટમાં ધરપકડમાંથી રાહત ન મળ્યા પછી આજે ગુરુવારે EDની ટીમ તેમના ઘરે 10મો સમન્સ બજાવવા પહોંચી હતી. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના બે કલાક બાદ જ ઈડીની ટીમ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી ગઈ છે. કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી અટકળો જોવામાં આવી રહી છે.

અરવિંદ કેજરીવાલને 10મું સમન આપવા EDની ટીમ પહોંચી છે. જેમાં અરવિંદ કેજરીવાલના ઘરની બહાર 6થી વધુ અધિકારીઓ તૈનાત થયા છે. આ સાથે જ કેજરીવાલના ઘર બહાર પોલીસ કાફલો તૈનાત થયો છે. કોર્ટે આજે બપોરે જ સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાલ મળતા અહેવાલો મુજબ કેજરીવાલના ઘરની તપાસ કરવામાં આવી રહી છે અને ટીમ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે. તેમનો મોબાઈલ પણ તેમની પાસેથી લઈ લેવામાં આવ્યો છે.

હાલ કેજરીવાલ નિવાસસ્થાનની બહાર પોલીસનો કાફલો પણ તહેનાત કરાયો છે. સુરક્ષાનો ઘણો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત DCP સહિતના 6 થી 7 અધિકારીઓ પણ ત્યાં હોવાની વિગતો સામે આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને અત્યાર સુધીમાં 9 સમન્સ પાઠવ્યા છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની પૂછપરછ થઈ રહી છે અને ઘરમાં સર્ચ ઓપરેશનના પણ સમાચાર છે.

ઈડીની ટીમ કેજરીવાલનાં ઘરે પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ ત્યાં પહોંચી ગયા છે. જોકે તેમને કેજરીવાલનાં ઘરમાં જતા રોકવામાં આવ્યા છે. આ દરમિયાન ભારદ્વાજે કહ્યું કે, ઈડીની ટીમે કેજરીવાલની ધરપકડની તૈયારી કરી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં AAP નેતાઓ અને સમર્થકો કેજરીવાલના ઘર બહાર ઉપસ્થિત રહ્યા છે.

નોંધનીય છેકે, EDએ 17 માર્ચે કેજરીવાલને 9મું સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલ 19 માર્ચે સમન્સ સામે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજી પર 20 માર્ચે સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટમાં આજે જ લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે ઈડીને અરવિંદ કેજરીવાલની અરજી પર બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. હવે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટ આગામી સુનાવણી 22મી એપ્રિલે કરશે.

અગાઉ ઈડીના સમન્સ પર કેજરીવાલ પૂછપરછ માટે હાજર થઈ રહ્યા ન હતા. તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ ન કરવામાં આવે. મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કેજરીવાલ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થશે, પરંતુ ઈડીએ કોર્ટમાં એમ કહે કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે આના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.

ઉલ્લેખનીય છે કે, ઈડી કેજરીવાલને અત્યાર સુધીમાં નવ વખત સમન્સ મોકલી ચુકી છે, તેમ છતાં તેઓ હજુ સુધી હાજર થયા નથી. ઈડીએ કેજરીવાલને 22 જાન્યુઆરીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ ગત વર્ષે બે નવેમ્બર, અને 21 ડિસેમ્બર, પછી આ વર્ષે ત્રણ જાન્યુઆરી, 18 જાન્યુઆરી, બે ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી અને 27 ફેબ્રુઆરી અને 17 માર્ચે પણ કેજરીવાલને સમન્સ પાઠવી ચુકી છે. આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી.