કોંગ્રેસનાં ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, જાણો શું છે કારણ?

rohan-gupta

કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા ટિકિટ આપી હતી

લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. કોંગ્રેસ પાર્ટીએ બીજી યાદી જાહેર કરી ગુજરાતના જે 7 ઉમેદવારનાં નામ જાહેર કર્યા હતા તેમાં રોહન ગુપ્તાનું પણ નામ હતું. કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને લોકસભા લડવાની તક આપી હતી. પરંતુ ટિકિટ જાહેર થયાના થોડા દિવસો બાદ હવે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે. ચૂંટણી ન લડવા માટે તેઓ પિતાની બીમારીનું કારણ આપી રહ્યા છે.

રોહન ગુપ્તાએ પિતાની તબિયત ખરાબ હોવાથી ચૂંટણી લડવાથી ઈન્કાર કરી દીધો છે. રોહન ગુપ્તાએ કોંગ્રેસના ગુજરાત પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રનો ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તેમનું નામ પાછું ખેંચી લેવા અંગે માહિતી આપવામાં આવી હતી.

રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાની ના પાડતા જ કોંગ્રેસ પાર્ટીની અંદર ખટપટ શરૂ થઈ ગઈ છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ રોહન ગુપ્તાના આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. પોતાનાં ઉપર ઉઠી રહેલા સવાલો પર રોહન ગુપ્તાએ જવાબ આપતા પોતાની જ પાર્ટીના નેતાઓ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું કે, મારી વિનમ્રતાને મારી કમજોરી સમજવામાં ના આવે. મને જે પણ જવાબદારી પાર્ટીમાં મળી છે તેને સારી રીતે નિભાવી છે. હાલ મારા પિતાની તબિયત ખરાબ છે તો હું પિતાની સાથે રહેવા માંગુ છું તેથી ચૂંટણીથી દૂર થઈ રહ્યો છું.

રોહન ગુપ્તાના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટીએ તો તક આપી છે પરંતુ પિતાની તબિયતના કારણે રોહન ગુપ્તાએ જે પણ નિર્ણય લીધો છે તેના પર પાર્ટી આગળ વિચાર કરશે. પક્ષ સાથે બેઠક કરીને નવા ઉમેદવાર પર મંથન કરાશે.

છેલ્લી ત્રણ ટર્મથી અમદાવાદ પૂર્વની બેઠક ભાજપનાં હાથમાં
છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ આ બેઠક પર જીતતું આવ્યું છે. 2009માં હરિન પાઠક, 2014માં પરેશ રાવલ અને 2019માં હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. 2024માં ભાજપે ફરી હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.