કેતન ઇનામદારે સી.આર.પાટીલ સાથેની બેઠક બાદ રાજીનામું પરત ખેંચ્યુ

ketanInamdar

સી.આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઈનામદારે કહ્યું, ‘2027માં હું ચુંટણી નથી લડવાનો એટલે જલ્દી કામ થાય તેવો વિશ્વાસ છે’.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈમેઈલથી પોતાનુ રાજીનામું મોકલ્યું હતું. ત્યારબાદ તેમની ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મીટીંગ થઈ હતી. આ મિટીંગ બાદ તેમણે રાજીનામું પરત ખેચવાનો નિર્ણય લીધો હતો.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અંતે માની ગયા છે. સીઆર પાટીલ સાથે બેઠક બાદ કેતન ઈનામદારનું નિવેદન સામે આવ્યું છે. તેમાં કેતન ઈનામદારે જણાવ્યું છે કે સી.આર.પાટીલ સાથે મારી મુલાકાત થઈ છે. સી.આર.પાટીલ સાથે મુલાકાત બાદ મને સંતોષ છે તેથી હાલ રાજીનામું પાછુ લઉ છુ.

કેતન ઈનામદારે જણાવ્યું છે કે મેં મારા તમામ પ્રશ્નો રજૂ કર્યા છે. મારા બધા જ પ્રશ્નોના નિરાકરણનું આશ્વાસન મળ્યું છે. મેં મારા અંતર આત્માની વાત સી.આર. પાટીલને કરી છે. મારા બધા જ ડ્રિમ પ્રોજેક્ટ મારા કાર્યકાળમાં પૂરા થશે. 2027માં હું ચુંટણી નથી લડવાનો એટલે જલ્દી કામ થાય તેવો વિશ્વાસ છે. મારો વ્યક્તિગત કોઈ સામે વિરોધ નથી. આમ, અડધી રાત્રે મેઇલ મારફતે અધ્યક્ષને રાજીનામું મોકલીને, પોતાના નિર્ણય પર અડગ રહેવાની વાત કરનાર કેતન ઈનામદાર ફરી ગયા છે.

અચાનક જ આજે સવારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલ્યું હતુ. ત્યાર બાદ નારાજ કેતન ઈનામદારને મનાવવા સવારથી કવાયત ચાલી રહી હતી. મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી હતી અને હકુભાને વડોદરા દોડાવ્યા હતા. ત્યાર બાદ ઇનામદાર વડોદરાથી પાટીલ સાથે બેઠક કરવા માટે 2 વાગ્યે ગાંધીનગર આવ્યા હતા. જ્યાં બન્ને વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ હતી. જ્યાં ઈનામદારની નારાજગીનું કારણ જાણવા પ્રયાસ કરાયા હતા. આ વચ્ચે રાજીનામું પરત ખેંચવા માટે ઈનામદારે આનાકાની પણ કરી હતી. કેતન ઈનામનદાર રાજીનામાની વાત પર અડગ રહ્યા હતા. જોકે, આખરે રીસામણા મનામણા પૂરા થયા હતા અને પોલિટિકલ ડ્રામાનુ સુખદ સમાધાન આવ્યુ હતું. કેતન ઇનામદારે રાજીનામું પાછુ લેવાના સમાચાર આપ્યા હતા.