બોગસ દસ્તાવેજોની ઘટના રોકવા નવા નિયમો જાહેર, નિયમોના અમલીકરણ માટે તંત્ર સજ્જ
દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટા અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે
ગુજરાત રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણી માટે હવે નવા નિયમોનું પાલ કરવામાં આવશે. કારણે કે વર્ષોથી દસ્તાવેજમાં ગેરીરીતીઓ કરીને અનેક લોકોએ ઘણા મોટા કૌભાંડ આચરી લીધા. આ ગોટાળા થયા બાદ સરકારને ભાન આવ્યું એટલે નવા કાયદા લવાઈ રહ્યાં છે. ગુજરાત સરકારે દસ્તાવેજના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કરી લીધું છે.
ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલથી નિયમો લાગૂ થઈ જશે
દસ્તાવેજમાં થતી ગેરરીતીને લઈને ગુજરાત સરકારે આકરા નવા નિયમ ૧ એપ્રિલ 2024થી કડકપણ અમલ થશે. નવા નિયમોનો અમલ થતા જ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, નંબર આપવા ફરજિયાત બની જશે. દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે. જેથી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ શકે નહીં.
તા.૧ એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ ફેરફારમાં હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે દસ્તાવેજ નોંધણી સમયે અત્યાર સુધી કોઇપણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આંગળાની છાપ લગાડવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા લગાડવાની જોગવાઇ કરવામાં આવી હતી. હવે આ જોગવાઇમાં જરૃરી સુધારા કરવાના હોવાથી નવી સૂચનાઓ રાજ્યની દરેક સબ રજિસ્ટ્રાર કચેરીઓને આપવામાં આવી છે.
મહેસૂલ વિભાગ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબરની નોંધણી કરવામાં આવતી ન હતી પરંતુ હવે તા.૧ એપ્રિલથી દસ્તાવેજ નોધણીમાં દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત કરવામાં આવ્યા છે.
આ સાથે એક ફોર્મનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે જેના આધારે સમગ્ર વિગતો ભરવા તાકીદ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ પરિપત્રની નકલ સમગ્ર રાજ્યના સબ રજિસ્ટ્રાર કચેરીઓને પહોંચાડી દેવામાં આવી છે અને તા.૧ એપ્રિલથી એટલે કે નવા નાણાંકીય વર્ષથી તેનો અમલ ફરજિયાત કરાવવાનું જણાવાયું છે.