રાજ્યના સૂક્ષ્મ અને નાના એકમો પાસેથી પ્રોક્યોરમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડવા, નવી ગુજરાત પ્રોક્યોરમેન્ટ પોલિસી-૨૦૨૪ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશે.
વડાપ્રધાનશ્રીની વોકલ ફોર લોકના મંત્ર સાથે MSME ઉદ્યોગો, અને મહિલાશક્તિ દ્વારા કાર્યરત ઉદ્યોગો માટે સરકારી ખરીદીમાં ખાસ પ્રોત્સાહનની નેમ આ પોલીસી દ્વારા ગુજરાત સાકાર કરશે.
રાજ્ય સરકારે જાહેર કરેલી આ નવી ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ તા. ૧ એપ્રિલ ૨૦૨૪થી અમલમાં આવશે તેમજ કોઈ સુધારાના સમાવેશ સાથે કે અન્ય વધુ જોગવાઈઓ સાથેની બીજી પોલિસીની જાહેરાત થતાં સુધી આ પોલિસી અમલમાં રહેશે.
આ નવી પ્રોક્યોરમેન્ટ પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને આવરી લેશે.
રાજ્યમાં હાલ ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-૨૦૧૬ અમલમાં છે. તેની સફળતા બાદ આ નવી પોલિસી રાજ્યના સૂક્ષ્મ અને નાના એકમો પાસેથી પ્રોક્યોરમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડવામાં વધુ ઉપયુક્ત બનશે.
એટલું જ નહીં, નવી ખરીદ નીતિ સૂક્ષ્મ, કુટિર, નાના સાહસો, ખાસ કરીને એસસી/એસટી અને મહિલા ઉદ્યોગસાહસિકોની માલિકીની ખરીદીને પ્રોત્સાહિત કરશે. તેમજ અન્ય સપ્લાયર્સની તુલનામાં ગુજરાત સ્થિત MSEs પાસેથી પણ પ્રોક્યોરમેન્ટને સમર્થન આપશે. તેમજ ગુજરાતના સ્ટાર્ટઅપ્સમાંથી પણ આ પોલિસી અંતર્ગત પ્રોક્યોરમેન્ટને પ્રેરિત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી નવી પોલિસીમાં સ્થાનિક સપ્લાયર્સના ફાયદાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તદઅનુસાર, પાત્ર સપ્લાયરોને ટેન્ડર ફી અને અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD)માંથી મુક્તિ આપવામાં આવશે.
ટેન્ડર વિના ખરીદી માટે આ પોલિસી અન્વયે રાજ્ય સરકારે જુદી જુદી મર્યાદાઓ નક્કી કરી છે, જેમાં સરકારી સંસ્થાઓ પાસેથી ટેન્ડર વિના રૂ. ૧૫ લાખ સુધીની ખરીદી, સરકારી માલિકીની સંસ્થાઓ અથવા જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) પાસેથી રૂ. ૧૫ લાખ સુધી ટેન્ડર વિના ખરીદી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી રૂ. ૫ લાખ સુધીની ટેન્ડર વિના ખરીદી તેમજ સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂ. ૧૫ લાખ સુધી ટેન્ડર વિના ખરીદી કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
વધુમાં, સ્ટાર્ટઅપ્સને ન્યૂનતમ પૂર્વ અનુભવ અને ન્યૂનતમ ટર્નઓવર જરૂરિયાતોના માપદંડમાંથી મુક્તિ આપવામાં આવી છે તેના પરિણામે યુવા સ્ટાર્ટઅપ્સના બિઝનેસને વેગ મળશે.
આ નવી ખરીદ નીતિ-૨૦૨૪ ભારત અને ગુજરાતમાં ઉચ્ચ મૂલ્યવર્ધન સાથે સપ્લાયર્સ પાસેથી માલ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને પ્રાથમિકતા આપે છે. જે વસ્તુઓની પ્રોક્યોરમેન્ટની અંદાજિત કિંમત રૂ. ૨૦૦ કરોડથી વધુ હોય એવા કિસ્સામાં જ ગ્લોબલ ટેન્ડર ઇન્ક્વાયરી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧ લાખ થી વધુની વસ્તુઓ અને સેવાઓની તમામ પ્રોક્યોરમેન્ટ, GeM પોર્ટલ દ્વારા પ્રાપ્તિ સહિત, માત્ર ઇ-ટેન્ડર દ્વારા કરવામાં આવશે તેવું પણ આ પોલિસીમાં નિયત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, BIS એ માન્ય રાખેલા માપદંડો ઉપલબ્ધ છે તેવી વસ્તુઓના પ્રોક્યોરમેન્ટ માટે આ નવી નીતિમાં BIS પ્રોડક્ટ સ્પેસિફિકેશનને અપનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવી પોલિસી દ્વારા, રાજ્ય સરકારે ગવર્નમેન્ટ-ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ દ્વારા તમામ વસ્તુઓ અને સેવાઓની ખરીદીને પ્રોત્સાહન આપવાની દિશા તય કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ નવી પોલિસી ઘડતા પહેલા વિવિધ સંસ્થાઓ, ઉત્પાદન એકમો, વિવિધ સંગઠનો, બોર્ડ/કોર્પોરેશન, સરકારી વિભાગો/વિભાગોના વડાઓ (HoDs) દ્વારા પરચેઝ પોલિસીમાં થોડાં ઘણાં ફેરફારો માટે સૂચનો પ્રાપ્ત થયા હતા. રાજ્ય સરકારે પર્ચેઝ પોલિસી ૨૦૧૬માં મેક ઇન ઈન્ડિયા પહેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને અને હિતધારકોના તમામ સંબંધિત સૂચનોને સમાવવાનો નિર્ણય લીધો હતો.
હવે, આ નવી ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ પણ વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સુસંગત બનાવવામાં આવી છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે પ્રવર્તમાન ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૧૬’ અંતર્ગત ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂ. ૧.૪૭ લાખ કરોડથી વધુના મૂલ્યની વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી હતી.