EDએ દિલ્હીમાં લિકર કેસ મામલે BRS નેતા કવિતાના ઘરે દરોડા પાડ્યા, અનેક પુરાવાઓ મળ્યા
EDએ કવિતાને બે સમન્સ મોકલ્યા હતા, છતાં તેઓ હાજર થયા ન હતા
તેલંગાણાના પૂર્વ સીએમ KCRની પુત્રી છે કવિતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હી લિકર પોલીસી કેસમાં BRS નેતા કે. કવિતાની ધરપકડ કરવામાં આવી છે. મની લોન્ડ્રિંગ કેસ મામલે કવિતા સામે આ કાર્યવાહી કરાઈ છે. અગાઉ EDની ટીમે કવિતાને બે વખત સમન્સ પાઠવ્યા હતા, જોકે તેઓ સમન્સની અવગણના કરી હતી. ત્યારબાદ EDની ટીમે આજે આ કાર્યવાહી કરી છે. EDએ હૈદરાબાદના એક ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તપાસ એજન્સીએ અનેક પ્રકારના પુરાવા એકત્ર કર્યા હતા. હવે કવિતાને દિલ્હી લાવવામાં આવી રહી છે. અહીં તપાસ એજન્સી કવિતાની વિગતવાર પૂછપરછ કરશે.
દિલ્હી દારૂ કૌભાંડમાં ED દ્વારા અગાઉ પણ કવિતાની પૂછપરછ કરવામાં આવી છે. ED મુજબ, પિલ્લઈ ‘સાઉથ ગ્રૂપ’નું પ્રતિનિધિત્વ કરે છે, કવિતા અને અન્યો સાથે જોડાયેલી કથિત લિકર કાર્ટેલ, જેણે 2020-21 માટે હાલમાં સમાપ્ત થયેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી હેઠળ બજારમાં મોટો હિસ્સો મેળવવા માટે AAPને લાંચમાં 100 કરોડની રકમ આપવામાં આવી હતી.
ED અનુસાર, ‘સાઉથ ગ્રૂપ’માં સરથ રેડ્ડી (ઓરોબિંદો ફાર્માના પૂર્વ પ્રમોટર), મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડી (આંધ્ર પ્રદેશની ઓંગોલ લોકસભા સીટ પરથી YSR કોંગ્રેસ સાંસદ), તેમના પુત્ર રાઘવ મગુંતા, કવિતા અને અન્યનો સમાવેશ થાય છે. EDએ પિલ્લઈના કસ્ટડીના કાગળોમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેણે આ કેસમાં કવિતાના ‘બેનામી રોકાણ’નું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કવિતાની પૂછપરછ કરવામાં આવી હતી.