પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને માથામાં થઈ ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ કરાયા

mamta-banerjee-injured

TMCએ આપી માહિતીઃ ઘરમાં ચાલતી વખતે પડી જતા ઈજાગ્રસ્ત થતા ટાંકા આવ્યા

પશ્ચિમ બંગાળથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને માથા પર ગંભીર ઈજા થઈ છે. TMCના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મમતા બેનર્જીની ઈજા વિશે માહિતી આપવામાં આવી છે. મમતા બેનર્જીની ઈજા પછીની તસવીરો TMCના X હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. તેમાં જોવા મળે છે કે મમતાના કપાળની વચ્ચે ઊંડો ઘા છે, જેમાંથી લોહી વહી રહ્યું છે. TMCનું કહેવું છે કે ‘તેના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે, તેમના માટે પ્રાર્થના કરો. તેમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના ઘરે ટ્રેડ મિલ કરતા સમયે પડી ગયા હતા. ત્યારબાદ મમતાની ઈજાના સમાચાર મળતાં જ તેનો ભત્રીજો અભિષેક બેનર્જી ઘરે પહોંચ્યા હતા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મમતા બેનર્જીને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

નોંધનિય છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી આ પહેલા પણ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેઓ રોડ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. તે દરમિયાન તેઓ બર્ધમાનથી કોલકાતા પરત ફરી રહ્યા હતા. સૂત્રોના અનુસાર, વરસાદના કારણે મમતા બેનર્જી કારથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ધુમ્મસના કારણે કારની અચાનક બ્રેક લગાવતા દરમિયાન મમતા બેનર્જીના માથામાં ઈજા થઈ હતી. જણાવાય રહ્યું છે કે, મમતા બેનર્જીના કાફલામાં એક અન્ય કારના આવવાથી ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવવી પડી હતી. જેના કારણે તેના માથામાં ઈજા થઈ હતી.