અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં બુરખો હટાવવાને લઈ સર્જાયો વિવાદ, સ્થળસંચાલકને પરીક્ષા કામગીરીમાંથી હટાવાયા

hizab-vivad

કૃત્ય ઇરાદાપૂર્વક કરાયું હોવાના વાલીઓએ કર્યા આક્ષેપ
જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી તરફથી મળતી સૂચનાના આધારે આ પગલું લેવાયું હોવાનું શાળાએ જણાવ્યુ

સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીનિઓ પાસે હિજાબ હટાવાતા વિવાદ સર્જાયો છે. મામલાને લઈને આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનિઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું હતું. મામલો જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચતા વાલીઓની રજુઆત યોગ્ય ગણી સ્થળસંચાલકને પરીક્ષાની કામગીરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

વાલીના જણાવ્યાં પ્રમાણે ગઈકાલે તેમની પુત્રી બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર આપવા માટે પરીક્ષા ખંડમાં પહોંચી હતી જ્યાં પરીક્ષા શરૂ થતા પહેલા 2થી 3 મહિલા સ્ટાફ તેમની પાસે આવ્યા હતાં અને ચેકિંગના નામે તેમના હિજાબ ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. પરીક્ષા ખંડના વચ્ચે જ તેમને હિજાબ કાઢવા માટે કહેવામાં આવતા તેઓનું માનસિક મનોબળ પરીક્ષા પહેલાં જ તૂટી ગયું હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા છે. વાલીએ આરોપ લગાવતા કહ્યુ કે ચેકિંગના નામે હિજાબ કઢાવવામાં આવ્યું તે ચોક્કસ રીતે એક સમુદાયને નિશાન બનાવી ઈરાદાથી કરાયું હોવાનો કૃત્ય પ્રથમ દ્રષ્ટિએ જણાય છે તેમ તેઓએ કહ્યું હતું.

વાલીએ વધુમાં જણાવ્યું કે અમે શાળામાં આચાર્યને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અમને જાણ કરવામાં આવી કે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી મળેલ સૂચનોને આધીન કાર્યવાહી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં પરિક્ષાના નિયમો મુજબ 85 ટકા ચહેરો દેખાવો જોઇએ જે ન દેખાતા તેમના હિજાબ કઢાવવામાં આવ્યાં હતાં. આ મામલે ઓબ્સર્વર અને તેમાં સામેલ અન્ય તમામને સસ્પેન્ડ કરવા માંગ વાલીઓ કરી રહ્યા છે.

બોર્ડના સુપરવાઈઝરની સૂચનાથી આ પગલું લેવાયું હોવાનું શાળાએ જણાવ્યુ હતું. આ તમામ પરીક્ષાના નિયમોનો પાલન જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી તરફથી મળતી સૂચનાના આધારે થાય છે જેમાં શાળા કે શાળા મંડળની કોઈ ભૂમિકા રહેતી નથી. આ અંગે જિલ્લા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. શાળા સંચાલક દિપક રૂપારેલે જણાવ્યું હતું કે હિજાબ હટાવવાનો આ નિર્ણય શાળાનો નથી. માત્ર બોર્ડના અધિકારીઓની સૂચનાનું પાલન કરાયું છે.

તેમજ પરિસ્થિતિ અંગે ગંભીરતાથી જોતાં વિદ્યાર્થીનીઓના વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજીને રજુઆત કરતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં બોર્ડે હિજાબ હટાવવા કોઈ સૂચના આપી ન હોવાનું સામે આવતા શાળાની કાર્યવાહીને અયોગ્ય ગણી સ્થળસંચાલકને પરીક્ષાની કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા છે.